વડોદરા-

જિલ્લામાં પાદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેર સેન્ટમાં સારવાર લઇ રહેલો કુખ્યાત બુટલેગર વહેલી સવારે ફરાર થઇ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બુટલેગરે પોતાના બેડની ચાદર ફાડી દોરડું બનાવી દીધા બાદ કોવિડ સેન્ટરના બીજા માળની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ જાપ્તો હોવા છતાં કુખ્યાત બુટલેગર ફરાર થવામા સફળ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જોકે ફરાર બુટલેગરને ઝડપી પાડવા જિલ્લા પોલીસે વિવિધ ટીમો કામે લગાડી છે. 

તાજેતરમાં જિલ્લા એલ.સી.બી. શાખાએ દારૂની હેરાફેરીના ગુનામાં કાચા કામના આરોપી ઓમપ્રકાશ હુકમારામ બિશ્ર્નોઇ (મુળ રાજસ્થાનના હાલ રહે કલાલી-બીલ રોડ પર પુષ્પક હોમ્સમા) તથા તેનો સાથીદાર કુખ્યાત બુટલેગર અશોક ક્રિષ્ણારામ બિશ્ર્નોઇનો ગત તા.૧૨ મેના રોજ ટ્રાન્સફર વોરંટના આધારે સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. બાદમાં બંનેના તા.૧૭ મેં સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ પૂર્ણ થતાં તેમણે કોર્ટમા રજુ કરતા પહેલા બંનેના કોવિડ ટેસ્ટ કરાવવામા આવ્યા હતા.જેમા આરોપી અશોક બિશ્ર્નોઇનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને પાદરાના પ્રાથમિક કેન્દ્રમાં તા.૧૭ મેથી દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાની ચાલુ સારવાર દરમિયાન બુટલેગરને તક મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી ચાદરનુ દોરડું બનાવી કોવિડ સેન્ટરની બીજા માળની બારી વાટે નીચે ઉતરી ફરાર થઇ ગયો હતો. બુટલેગર કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ ગયો હોવાની જાણ જિલ્લા પોલીસને થતાં તેને ઝડપી પાડવા પોલીસ તંત્રએ દોડધામ કરી મૂકી હતી. જોકે ફરાર બુટલેગરના કોઇ સગડ મળ્યાં નથી.