વડોદરા, તા.૧૭ 

શહેરના કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામેથી થોડાક મહિના પહેલાં જ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં શિફટ કરાયેલ કારેલીબાગ પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી ભરાતાં પોસ્ટ ઓફિસનું કામકાજ ઠપ થઈ ગયું હતું. આ પોસ્ટ ઓફિસ અન્ય સ્થળે ખસેડી બે દિવસ બાદ કામકાજ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જાે કે, પાણી ભરાતાં અગત્યના દસ્તાવેજાે પલળી ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં સતત ત્રણ દિવસ વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારના એપાર્ટમેન્ટના બેઝમેનટમાં પાણી ભરાયાં હતાં. ત્યારે કારેલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની સામે આવેલી કચ્છ ગુર્જર ક્ષત્રિય સેવા સમાજની વાડીના બેઝમેન્ટમાં કાર્યરત કારેલીબાગ પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી ભરાતાં બંધ કરવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસને અન્ય જગ્યાએ શિફટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, આ પોસ્ટ ઓફિસ કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલની સામે કાર્યરત હતી, પરંતુ કેટલાક મહિના પહેલાં જ અહીં એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં શિફટ કરવામાં આવી હતી અને વરસાદી પાણી ભરાતાં બંધ કરવાનો વારો આવ્યો છે. આ અંગે પોસ્ટ ઓફિસ વિભાગના ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યંુ છે. જાે કે, વરસાદી પાણી ભરાતાં અનેક ટપાલો, મહત્ત્વના દસ્તાવેજાે વગેરે પલળી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.