ઉનાઇ, વાંસદા તાલુકામાં કેટલાક વર્ષોમાં ગામે-ગામ લાખો રૂપિયાના ખર્ચે સ્મશાન ભૂમિઓ બનાવવામાં આવી છે પરંતુ આ બાબતે તપાસ હાથ ધરી તો ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે મોટાપાડા અને બોરીપાડામાં ૧૨૦ પરિવારના આશરે ૪૦૦ લોકો રહે છે. જેઓને કોઈકના અવસાન દરમિયાન અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા માટેનો રસ્તો વર્ષોથી આજદીન સુધી બન્યો નથી. જેના કારણે અહીંના લોકો ખુબજ મુશ્કેલી વેઠી રહ્યા છે તેમજ અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલ મુક્તિધામ બન્યાને આશરે ૩ વર્ષ વીતી ગયા હેવા છતા આજદિન સુધી અગ્નિદાહ માટેની સગડી પણ મૂકવામાં આવી નથી, જેના કારણે લોકોએ સ્મશાનની બાજુ ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ કરવાની ફરજ પડી રહી છે. જેમાં અંતિમ સંસ્કાર કર્યા બાદ સફાઈ માટે પાણીની પણ સુવિધા ન હોવાના કારણે લોકોએ દૂર સુધી ડોલ અને કેન વડે પાણી લાવવાની ફરજ પડે છે. ચોમાસા દરમિયાન પણ ખુલ્લા વરસાદમાં અંતિમ સંસ્કાર માટે ખૂબજ હાલાકી ભોગવવાનો વારો આવે છે.તાલુકામાં આવેલ કેટલાય ગામોમાં અગ્નિસંસ્કાર નહિ કરવા પાછળ પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું છે.કોતરો માં પાણી સુકાય જવા પામ્યું હોય ત્યારે અન્ય સગવડના અભાવે સ્થાનિકો સુવિધાના અભાવે આ સમશાનભુમીનો ઉપયોગ કરવાનું ટાળે છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મેઇન પાકા રસ્તાથી સ્મશાન તરફ જવાનો રસ્તો અગાઉ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થઇ ગયો હોવા છતાં આજદિન સુધી કેમ બનાવવામાં આવ્યો નથી. એવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને લઇ વહેલી તકે ખાટા અંબા ના મોટાપાડા અને બોરીપાડાના લોકોને વર્ષોથી પડતી આ મુશ્કેલી સામે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનો અંત લાવે એવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.