અમદાવાદ, તા.૧૩ 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉટવા ગામમાં ૧૬ વર્ષ પૂર્વે મહાકાળી મંદિરના એનઆરઆઇ ટ્રસ્ટી અને સાધ્વી સહિત ૪ લોકોની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપીની ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસની ટીમે દિલ્હીમાંથી ધરપકડ કરી છે. હત્યાકાંડ સર્જ્યા બાદ પોલીસથી બચવા માટે આરોપી અલગ-અલગ રાજ્યમાં નામ બદલીને રહેતો હતો. વર્ષ ૨૦૦૪માં મહેસાણાના કડી નજીક આવેલા ઉટવા ગામના મહાકાળી મંદિરમાં એનઆરઆઇ ટ્રસ્ટી ચીમન પટેલ, સાધ્વી સમતાનંદપૂર્ણાનંદ સરસ્વતી અને બે સેવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાકાંડમાં વાપરવામા આવેલું ધારિયું મંદિરમાં જ રહેતા મહેન્દ્રસિંહ નામના વ્યક્તિ અને તેની પત્નીના રૂમમાંથી મળી આવ્યું હતું. મહેન્દ્રસિંહ અને તેની પત્ની હત્યા બાદથી ફરાર હતા.રાજ્ય સરકાર દ્વારા હત્યારાને પકડનારને રૂપિયા ૫૧ હજારનું ઇનામ આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસની ટીમે વર્કઆઉટ કરતાં મહેન્દ્રસિંહ નામ બદલીને દિલ્હીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાંથી તેની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવતા તેનું સાચું નામ ગોવિંદસિંહ યાદવ( મૂળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આરોપી ગોવિંદસિંહ તેની પત્ની સાથે રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં એ સમયે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો.હત્યાકાંડના ૨૦ દિવસ પહેલાં જ કડી પાસે મહાકાળી મંદિરમાં પત્ની સાથે રહેવા આવ્યો હતો. એનઆરઆઇ ટ્રસ્ટી ચીમન પટેલ પાસે રોકડ રકમ પડી રહેતી હતી. પૈસા, દાગીના અને અન્ય ચીજવસ્તુઓ જોઇ ગોવિંદે રાતના સમયે સાધ્વી અને બે સેવકની હત્યા કરી હતી. બાદમાં ટ્રસ્ટી ચીમન પટેલની પણ હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ લૂંટ ચલાવીને ગોવિંદ પત્ની સાથે ફરાર થઇ ગયો હતો અને અલગ-અલગ રાજ્યોમાં નામ બદલીને રહી રહ્યો હતો. તાજેતરમાં તે દિલ્હીમાં કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો અને તેની પત્ની ચાની દુકાન ચલાવતી હતી. ગોવિંદે ત્રણ લગ્ન કર્યા છે, જેમાંથી બીજી પત્નીથી તેને એક પુત્ર પણ છે.