કાયદો અસરકારકઃ ચીનમાં છૂટાછેડાના પ્રમાણમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો
20, મે 2021

બીજિંગ-

ચીનમાં વધી રહેલા છૂટાછેડાના પ્રમાણને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલો નવો કાયદો અસરકારક સાબિત થઈ રહ્યો છે. નવા કાયદાના કારણે ચીનમાં આ વર્ષે છૂટાછેડાના પ્રમાણમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાલુ સપ્તાહ દરમિયાન નાગરિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શરૂઆતના ૩ મહિનામાં દેશભરમાંથી છૂટાછેડા માટે ૨.૯૬ લાખ અરજીઓ આવી હતી.

જ્યારે ગત વર્ષે તેની સંખ્યા ૧૦ લાખ કરતા પણ વધારે હતી. ચીની સરકારે દંપતીઓને આવેશમાં આવી છૂટા પડતા અટકાવવા તથા દેશમાં જન્મ દર વધારવા માટે નવો કાયદો બનાવ્યો હતો. નવા કાયદા પ્રમાણે છૂટાછેડા માટે અરજી કરનારા કપલ માટે કૂલિંગ પીરિયડ અંતર્ગત ૩૦ દિવસનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, આ સમયગાળા દરમિયાન બંને પક્ષ આંતરિક મતભેદ ઉકેલીને ઠંડા મગજે ર્નિણય લે જેથી ઘર-પરિવાર તૂટતા બચાવી શકાય. કેટલાક લોકો આ કાયદાને સકારાત્મક પહેલ માની રહ્યા છે પરંતુ અમુક નાગરિકોએ તેને અંગત જીવનમાં દખલ સમાન ગણાવીને તેની ટીકા પણ કરી હતી. નવા કાયદામાં છૂટાછેડાને અનેક તબક્કાની પ્રક્રિયાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. તેમાં સૌથી પહેલા વિવાહ સલાહકારો પાસે કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે. તેમને ૩૦ દિવસ આપવામાં આવે છે. તે અવધિ પૂરી થયા બાદ પતિ-પત્નીએ સ્થાનિક નાગરિક કેસ બ્યુરોમાં જઈને છૂટાછેડા માટે ફરી અરજી કરવાની હોય છે. ૩૦થી ૬૦ દિવસમાં ફરી અરજી ન થાય તો છૂટાછેડાની અરજી બરતરફ થઈ જાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution