વડોદરા, તા.૧૦ 

તરસાલી અને મકરપુરા વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક નિવૃત પીએસઆઈ સહિત છ રહીશોના મકાનોના તાળા તોડી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો તેમજ એક મકાનના આગળ પાર્ક કરેલી એક્ટિવા લઈને તસ્કરો ફરાર થયા હતા.

મકરપુરા ડેપો પાછળ આવેલી વ્રજધારા સોસાયટી-૨માં રહેતા હરીશભાઈ સોલંકી તરસાલીરોડ પર ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં શક્તિ ઈલેકટ્રોનીક્સ નામની દુકાન ધરાવે છે. ગત ૯મી તારીખે તે પરિવાર સાથે વડસર ખાતે સાસરીમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા. આજે સવારે ઘરે પરત ફરતા હરીશભાઈને ચોંકાવનારી જાણ થઈ હતી કે તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાખી મકાનમાં પ્રવેશ કર્યો હતો તેમજ તિજાેરીમાંથી સોનાનો સેટ તેમજ બુટ્ટી, વીટીઓ અને ચેઈન સહિત નવ તોલા દાગીના અને ચાંદીના છડા સહિત ૯૯,૨૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ તેમની જ સોસાયટીમાં રહેતા મયજીભાઈ પરષોત્તમભાઈ પરમાર,હરીશભાઈ સોલંકી અને કટારીયાભાઈના બંધ મકાનના તાળા તોડી હજારોની મત્તાની ચોરી કરી હતી.

આ ઉપરાંત તસ્કરોએ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત પીએસઆઈ સી એલ પરમારના ઘરે તેમજ શહેર પોલીસના ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા ગીરીશભાઈના મકાનોમાં પણ હાથફેરો કર્યો હતો. તેવી જ રીતે તસ્કરોએ તરસાલીની મોતીનગર સોસાયટીમાં રહેતા અને પાંચ માસથી કેનેડામાં વસવાટ કરતા ભાનુમતીબેન બ્રહ્મભટ્ટ સહિત બે રહીશોના બંધ મકાનના તાળા તાડી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જાેકે અન્ય મકાનોના માલિકો બહારગામ હોઈ કુલ કેટલાની મત્તાની ચોરી થઈ તેનો આંક પોલીસને મળી શક્યો નહોંતો. એટલું જ નહી ચોરી કર્યા બાદ તસ્કરો વ્રજધારા સોસાયટીના એક મકાનના આગળ પાર્ક એક્ટિવાની પણ ચોરી કરી ગયા હતા પરંતુ વાહનચોરીની હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. દરમિયાન ચોરીના બનાવોની હરીશભાઈ સોલંકીની ફરિયાદના પગલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફોર વ્હીલરમાં આવેલા તસ્કરોના સીસીટીવી કેમેરા ફુટેજ મળ્યા

આ બનાવ અંગે મકરપુરા પોલીસે જણાવ્યું હતું કે પાંચથી છ મકાનોમાં ચોરીની હજુ સુધી પોલીસને જાણકારી મળી છે અને તે પૈકી મોટાભાગના મકાનોમાં માત્ર ચોરીનો પ્રયાસ થયો છે. ગત રાત્રે ત્રણથી ચાર તસ્કરો કાર લઈને આવ્યા હતા અને બંધ મકાનોના નકુચા તોડી ચોરીને પ્રયાસો કર્યા હતા. આ તસ્કરોની સીસીટીવી કેમેરા ફૂટેજ મળતા તેઓની ટેકનીકલ સોર્સીસની મદદથી પગેરુ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આભાર - નિહારીકા રવિયા