જામનગર, જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ છે. આથી પોર્ટેબલ મશીનથી ગાડું ગબડાવામાં આવતા દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમ છતાં હોસ્પિટલના સતાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રાચતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખૂબજ મહત્વના ગણાતા એકસ-રે વિભાગમાં મુખ્ય એકસ-રે મશીન એક મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે પોર્ટેબલ મશીનથી દર્દીઓના ફોટા પાડવામાં આવે છે.

જેના કારણે દર્દીઓની પીડામાં ઘટાડાને બદલે વધારો થયો છે. વળી, એકસ-રે પ્લેટનો પણ છેલ્લા ઘણાં સમયથી અભાવ છે. જયારે ડીજીટલ એકસ-રે આપવાને બદલે ડોકટરને મોબાઇલ ફોનમાં કે કાગળની પ્રિન્ટમાં એકસ-રે આપવામાં આવી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લાં મહિનાથી આ સમસ્યા હોવા છતાં હોસ્પિટલના સતાધીશો દ્રારા કોઇ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઉઠયા છે.