વડોદરા, તા. ૨૧

જીએસએફસીથી ઓમકારપુરા જવાના રસ્તા પર મનોજ પટેલ તેના ખેતરમાં પતરાનો શેડ બાંધીને ટોળંુ ભેગુ કરીને જુગારધામ ચલાવતો હોવાની છાણી પોલીસ મથકના પોકો સંજયસિંહ ઉદેસિંહને બાતમી મળી હતી. આ બાતમીના પગલે છાણી પોલીસની ટીમે મોડી સાંજે મનોજના ખેતરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં પત્તાપાનાથી જુગાર રમી રહેલા મહેન્દ્ર શનાભાઈ પટેલ (લીમડીફળિયા, છાણી), દિનેશ ઉર્ફ લાલો ભાઈલાલ પરમાર અને પ્રવિણ ચિમનભાઈ ગોહિલ (બંને. રહે. ઈન્દિરાનગરી, છાણી)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ તેમજ ત્રણ મોબાઈલ ફોન, એક બાઈક અને એક મોપેડ સહિત ૭૭,૮૨૦ની મત્તા કબજે કરી હતી.

આ દરોડામાં જુગારધામનો સંચાલક મનોજ પુનમભાઈ પટેલ (નવાપુરા ફળિયા, છાણી) જે છાણીના કોંગી કોર્પોરેટર હરીશ પટેલનો ખાસ માનીતો હોવાનું અને જેની ગત કોર્પોરેશનની ચૂંટણીમાં મહત્વની ભુમિકા રહી હોવાનું કહેવાય છે તે તેમજ તેનો સાગરીત ચંદ્રેશ હિરાભાઈ પટેલ ( ઉંડાફળિયા, છાણી) ફરાર થઈ જતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ બનાવની તપાસ કરતા છાણીના પીએસઆઈ નયનેશ વસાવાએ આ બંને આરોપીઓની ગત મોડી સાંજે ધરપકડ કરી હતી.