ભાવનગર, ભાવનગરના આંગણે નારી સંરક્ષણ ગૃહ, પાલીતાણામાં ઉછરેલી અનાથ દીકરી ‘રેશ્મા’ના એક અનોખા લગ્ન આજે સિંધુનગર ખાતે આવેલ મંગતરામ હોલ ખાતે યોજાયાં હતાં. રાજ્ય સરકારે મા-બાપની ભૂમિકા ભજવીને ’રેશ્મા’ની રેશમ દોર બાંધી પ્રભુતામાં નવજીવન તરફના પગલાં મંડાવ્યાં હતાં. આ લગ્ન માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દાતાઓના સહકારથી એક દીકરી સાસરે જાય ત્યારે જે કોડ અને પ્રેમ સાથે જાય તે પ્રકારની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી ભારે ધામધૂમથી આ દીકરીના લગ્ન કરાવ્યાં હતાં.આ રાજ્ય સરકારની સંવેદનશીલતાનો નમૂનો છે કે, એક અનાથ દીકરીના માતા-પિતા બનીને લગ્ન પ્રસંગના તમામ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. અનાથ દીકરીને આશીર્વાદ અને હુંફ આપવાં માટે કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી. અશોકુમાર યાદવ, મહિલા અને બાળ કલ્યાણના નિયામક પુષ્પલત્તા, ભાવનગર મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયા સહિતના અધિકારીઓ લગ્નમાં સહભાગી થયાં હતાં. આ તમામ અધિકારીઓએ પણ પોતપોતાની રીતે કંઇકને કંઈક ગીફ્ટ સાથે ઉપસ્થિત રહી નવદંપતીને નવવિવાહીત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ રેશ્માને ભવિષ્યમાં પણ કંઇપણ જરૂરીયાત જણાય તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તારું પીયર છે અને ગમે ત્યારે આવીને મદદ માંગી શકે છે તેવો દિલાસો આપી સમગ્ર તંત્ર વતી આશીર્વાદ આપ્યાં હતાં.મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક પુષ્પલત્તા તો રેશ્માને આશિર્વાદ આપવાં માટે ખાસ ગાંધીનગરથી ભાવનગર ખાતે પધારી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, રેશ્મા ધોરણ-૩ માં હતી ત્યારથી તેનું કોઇ વાલીવારસ નથી. પહેલાં તે સૂરત નારી સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહી હતી. ત્યારબાદ તેને પાલીતાણા ખાતે આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. અને છેલ્લાં ઘણાં સમયથી તે પાલીતાણા ખાતે આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહી હતી. રેશ્માની પરણવાં લાયક ઉંમર થતાં તેને ગૃહના અધિકારીઓ દ્વારા તપાસ કરીને ભાવનગરના યુવક પ્રશાંત સાથે સગાઇ કરવામાં આવી હતી અને રેશ્મા રેશમી ગાંઠે લગ્નબંધને જાેડાઇ હતી. રેશ્મા વતીથી સમગ્ર વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જહેમત ઉઠાવીને દાતાઓ દ્વારા કરીયાવર, જમણવાર સહિતની સાજન-માજનની સરભરાની તમામ વ્યવસ્થાઓ કરીને એક કોડભરી કન્યાને પોતાના લગ્નની જેવી અપેક્ષાઓ હોય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.