વડોદરા

એફ.બી. કોલોની ગ્રાઉન્ડ ખાતે સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ અંતર્ગત આજે છત્તીસગઢ અને ગુજરાત વચ્ચેની મેચ બીસીસીઆઈના ક્યુરેટર દ્વારા ગ્રાઉન્ડ અને પીચ ઓકે હોવાનું જણાવ્યા છતાં મેચ રેફરીએ કોઈ કારણોસર મેચ શરૂ નહીં કરતાં આખરે પાંચ-પાંચ ઓવરની જ મેચ રમાઈ હતી.

સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ અંતર્ગત બપોરે ૧૨ વાગે એફ.બી. કોલોની ગ્રાઉન્ડ ખાતે નિર્ધારીત શિડયુલ મુજબ ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે મેચ હતી. પરંતુ મળની માહિતી અનુસાર ગ્રાઉન્ડ પર ભેજના કારણે ભીનું હોવાથી મેચ રેફરીએ મેચ શરૂ કરી ન હતી, જેથી વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળે છે. જાે કે, બીસીએના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઈના પીચ ક્યુરેટરે વિકેટ અને પીચ ઓકે હોવાનું જણાવ્યું હોવા છતાં મેચ રેફરીએ મેચ શરૂ કરી ન હતી. જાે કે, બીસીસીઆઈના પ્રતિનિધિ એફ.બી. કોલોની પહોંચી મેચ શરૂ કરવાનું જણાવ્યા બાદ આખરે ર૦ ઓવરના સ્થાને પાંચ-પાંચ ઓવરની જ મેચ રમાડી શકાઈ હતી, જેમાં ગુજરાતની ટીમનો ૮ વિકેટે વિજય થયો હતો.

સિલેકશન કમિટીના ચેરમેન ચેતન શર્મા વડોદરામાં

બીસીસીઆઈની સિલેકશન કમિટીના ચેરમેન ચેતન શર્મા વડોદરામાં રમાઈ રહેલ સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટમાં પ્લયરોનું પર્ફોર્મન્સ જાેવા વડોદરા આવી પહોંચતાં બીસીએના સેક્રેટરી અજિત લેલેએ તેમનું સ્વાગત કર્યું હતું. ઈન્ડિયાની ટીમ આગામી ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ રમવા જનાર છે, ત્યાર બાદ ટી-ર૦ વર્લ્ડકપ છે જેથી સિલેકશન કમિટીના ચેરમેન ચેતન શર્મા પ્લેયરોના પર્ફોર્મન્સના આધારે ટીમમાં સ્થાન અંગે સિલેકશન કમિટીની બેઠકમાં નિર્ણય લેશે તેમ જાણવા મળે છે. આજે ચેતન શર્માએ મોતી બાગ ખાતે રમાઈ રહેલ સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટની મેચ નીહાળી હતી. હજુ બે દિવસ ચેતન શર્મા વડોદરામાં રોકાઈને પ્લેયરોના પર્ફોમન્સની સમિક્ષા કરનાર હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્ર સામે બરોડાનો ૬૦ રને વિજય

સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ અંતર્ગત આજે મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે બરોડા અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ટોસ જીતીને મહારાષ્ટ્રે ફિલ્ડિંગ પસંદ કરી હતી. બરોડાની ટીમના કપ્તાન કેદાર દેવધરના ૭૧ બોલમાં શાનદાર અણનમ ૯૯ રનની મદદથી ચાર વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા, જ્યારે બરોડાના બોલર અતીત શેઠની શાનદાર ચાર અને નિનાદ રાઠવાએ ત્રણ શિકાર બનાવતાં મહારાષ્ટ્રની ટીમ ૧૭મી ઓવરમાં ૯૮ રન બનાવી ઓલઆઉટ થતાં બરોડાની ટીમનો ૬૦ રને વિજય થયો હતો.