03, મે 2021
વડોદરા, તા.૨
શહેરમાં હાલ ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેકશન સહિત સારવાર માટે જરૂરી ચીજવસ્તુઓની સુવિધાની અછત સર્જાઈ રહી છે, તેવા સમયે કોરોનાના દર્દીઓની સારવારમાં જરૂરી એવા પ્લાઝમા બ્લડની પણ માગ વધી રહી છે, જેની પણ અછત વર્તાઈ રહી છે. શહેરના મેયરે આજે સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતંુ.અન્ય સંસ્થાઓ પણ પ્લાઝમા ડોનેશન કરે તેવી અપીલ કરી હતી.
શહેર-જિલ્લામાં જીવલેણ કોરોના નગ્નનાચ કરી રહ્યો છે.
જેના પરિણામે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેની સાથે મૃતકાંક વધી રહ્યો છે. ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશનો અને પ્લાઝમાથેરાપીના ઉપયોગને લઈને પ્લાઝમા બ્લડની પણ અછત વર્તાઈ રહી છે. પ્લાઝમા ડોનેટની જરૂરિયાત અને માગને પહોંચી વળવા માટે હોસ્પિટલની બ્લડ બેન્કના એચઓડી ફરજાનાબેને પ્લાઝમા ડોનરોને અપીલ કરી જણાવ્યું કે બ્લડ બેન્કમાં રોજ ૮થી ૧૦ કોલ પ્લાઝમા બ્લડની જરૂરિયાત માટે આવી રહ્યા છે. પ્લાઝમાની માગમાં ઉછાળો આવ્યો છે.
મેયર કેયુર રોકડિયા થોડા સમય અગાઉ જ કોરોનામુકત થયા હતા. જેથી તેઓ પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યા હતા.સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.