અમદાવાદ, કહેવાય છે કે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે પરંતુ ઘણીવાર મહેનતથી અને સાચી રીતે પ્રયાસ કરવા છતા પણ માણસ ક્યારેક એવો હેરાન થઈ જાય છે કે રાતા પાણીએ રોવાનો વારો છે. આવું જ કંઈક અમદાવાદમાં રહેતા અને ચાંદીનું કામ કરતા વ્યક્તિ સાથે બન્યું છે. જેમાં છેતરપીંડી આચરતી ત્રિપુટીએ સોનાની ઈંટ સસ્તા ભાવે આપી દેવાના નામે વેપારીની મરણમૂડી પણ લઈ ગયા છે. વાત શહેરના શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા વેપારી સાથે બનેલી ઘટનાની છે. વેપારીને સસ્તામાં સોનાની ઈંટની લાલચમાં વીસ લાખ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે. ત્રિપુટી ગેંગ ખોદકામ દરમિયાન સોનાની ઈંટ મળી હોવાનું કહી સસ્તામાં આપી દેવાની લાલચ આપી, ખોટી ઈંટ પધરાવીને રૂપિયા લઇ રફુચક્કર થઇ ગઈ છે. વેપારી સોનાની ઈંટ લેવા બહેનના દાગીના તથા વ્યાજે રૂપિયા લઈને ફ્લાઇટમાં બેસી ગુવાહાટી ગયા હતા. માણેકચોક વિસ્તારમાં આવેલ લુહારની પોળમાં રહેતા અમરભાઇ પંચાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરભાઇના ઘરની બાજુમાં કાકા ભરતભાઇની દુકાનમાં ચાંદીનાં પાયલ બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરભાઈને તેમના મિત્ર ભાવિક શાહના પણ મિત્ર મનીષભાઈ સાથે ચાર વર્ષ પહેલાં ઓળખાણ થઇ હતી. જેથી મનીષભાઈ પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે, મનીષભાઈ મને નથી ઓળખતા હું તમને ઓળખું છું. મારું નામ બાબુલભાઈ છે. હું ગુવાહાટીથી બોલું છું, મારા ઘરનાને બાંધકામ દરમિયાન પાયા ખોદતી વખતે સોનાની ઈંટ મળી આવી છે જેનું વજન આશરે ૨.૫ કિલો છે.

જાેકે, મનીષભાઈએ કોઈ રસ લીધો ન હતો. જ્યારે મનીષભાઈ અમરભાઇને મળ્યા ત્યારે આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ અમરભાઈએ આ બાબુલભાઈને ઈંટ કેટલામાં વેચવાની છે, આમ પૂછતાં તેમણેે કહ્યું કે ચાલીશ પચાસ લાખમાં આપવાની છે, પરંતુ આટલા બધા પૈસા ન હોઈ એટલા માટે વીસ લાખ રૂપિયામાં આપી દેવાની છે. આ સાંભળીને અમરભાઇ તેની વાતમાં આવી ગયા હતા. અમરભાઇ અને તેનો મિત્ર ફ્લાઈટમાં બેસીને ગુવાહાટી ગયા હતા. જ્યાં બાબુલભાઈએ સોનાની ઈંટનું સેમ્પલ અમરભાઈને આપ્યું હતું. અમરભાઇ અને તેમનો મિત્ર અમદાવાદ આવીને તેમનાં સેમ્પલની તપાસ કરતા તે સાચું સોનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમરભાઈએ તેમના દાગીના વેચી દીધા. બીજા વ્યાજે રૂપિયા લીધા. તેમની બહેનના સોનાના દાગીના પણ વેચીને વીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યાર બાદ બાબુલભાઈ અને તેમની સાથે આવેલા અન્ય શખ્સો પૈસા લઈ જતા રહ્યા હતા અને અમરભાઇ જ્યારે અમદાવાદ આવીને સોનાની ઈંટ લઇ તેમના ઓળખીતા સોનીને બતાવવા ગયા તો સોનાની ઈંટ ખોટી હોવાની ખબર પડી હતી.