ગાંધીનગર-

સઘન મિશન ઇન્દ્રધનુષ ૩.૦ અંતર્ગત રાજ્યવ્યાપી સાવર્ત્રિક રસીકરણના કાર્યક્રમનો આરંભ કરવામાં આવશે. કોઈ પણ બાળક અને સગર્ભા વંચિત ન રહી જાય તે હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા આ મિશન હાથ ધરાનાર છે. આ કાર્યક્રમનો બીજાે રાઉન્ડ ૨૨ માર્ચ ૨૦૨૧થી શરૂ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ સગર્ભા માતા અને બાળકોને તેમની વયજૂથ મુજબની રસી સમયસર મળી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. ૧૦ જેટલા ગંભીર રોગ જેવા કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનીયા, મગજનો તાવ જેવા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષિત કરી શકાય.

આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યા મુજબ મિશન ઇન્દ્રધનુષના મુખ્ય ઉદ્દેશ દેશના તમામ બે વર્ષથી નાની ઉમરના બાળકો અને સગર્ભા માતાઓને સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમ અંતગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો છે. આ સમગ્ર પ્રક્રિયા અભિયાન સ્વરૂપે અમલીકરણ કરી રાજ્યમાં તેમજ દેશમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ ૯૦% થી વધારી રોગમુક્ત સમાજ બને તે ઉદ્દેશ્ય છે. એ જ રીતે રાજ્ય સરકારના સઘન મિશન ઇન્દ્રધનુષ ૩.૦ અંતર્ગત સંપૂર્ણ રસીકરણમાં નોંધપાત્ર વધારો થાય અને દેશના ખાસ વિસ્તારોમાં વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણની સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. સઘન મિશન ઇન્દ્રધનુષ ૩.૦ ના પ્રથમ રાઉન્ડની શરૂઆત ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧થી અને બીજાે રાઉન્ડ ૨૨ માર્ચ ૨૦૨૧ થી શરૂઆત કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરેક રાઉન્ડમાં ૧૫ દિવસ સુધી કરવામાં આવશે, જેમાં મમતા દિવસ, કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસોમાં સેશન પ્લાન કરી રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. દેશના ૨૫૦ જીલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ અમલમાં કરવામાં આવે છે. જેમાં ગુજરાતના ૩૩ જીલ્લા અને ૮ કોર્પોરેશન વિસ્તારોમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આ રસીકરણ કાર્યક્રમ યોજાશે. આ સઘન મિશન ઇન્દ્રધનુષ ૩.૦ અંતર્ગત પ્રથમ હરોળના આરોગ્ય કાર્યકરો દ્વારા શહેરી સ્લમ વિસ્તારો તેમજ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારો ઉપરાંત જનસમુદાયવાળી શહેરી ઝુંપડપટ્ટીઓ, ઇંટોના ભઠ્ઠાઓ, માછીમારોની વસતીઓ, બાંધકામના વિસ્તારો, ઇન્ડસ્ટ્રી વિસ્તારો, પહાડી વિસ્તારની વસાહતો વગેરે અને ઓછા રસીકરણ કવરેજ વાળા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે.