ઊંઝા : ગુજરાતમાં થોડાક સમય પહેલાં ભાજપના અધ્યક્ષે ધારાસભ્યો તેમજ સાંસદોને તેમના જન્મદિવસે સુકન્યા સમૃદ્ધિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો ત્યારે ઊંઝાનાં ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે પણ તેમના જન્મદિવસે ૨૧ દિવ્યાંગ બાળકોને ૧૦ વર્ષ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કવચ આપીને અનોખી ઉજવણી કરી હતી. ઊંઝાનાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલે ૬ સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે ઊંઝા શહેરમાં આવેલા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિરનાં ૨૧ દિવ્યાંગ બાળકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૦ વર્ષ સુધીનું પ્રિમીયમ ભર્યું હતું. તેમણે બાળકો સાથે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. બાળકો સાથે પ્રાર્થના કરી, કેક કાપી તીથિ ભોજન લીધું હતું. આ કાર્યકમમાં ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હિતેષ પટેલ, ઊંઝા કરીયાણા એસોસિએશનના પ્રમુખ અને ભાજપના કાર્યકર ભાવિન પટેલ એલઆર તેમજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.