જામનગર-

જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં આજે સામાન્ય માણસના હૃદયને હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. સંતાનોને કૂવામાં ફેંક્યાં બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું, જાેકે તેનો આબાદ બચાવ થયો છે. પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી વતનમાં ગયો હતો, પરત ના આવતો હોવાથી લાગી આવવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મોરારદાસ ખંભાળિયામાં વાડીમાં આવેલા કૂવામાં જે ત્રણ માસૂમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે તેમની ઉંમર ૫ વર્ષ કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર ૪ વર્ષે, ત્યાર બાદની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કઢાતાં ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનો પણ હચમચી ઊઠ્યાં હતાં.

સ્વાભાવિક છે કે ત્રણેય સંતાનોની ઉંમર પાંચ વર્ષની હોય, એટલે આટલી નાની ઉંમરમાં બાળકોને હજી જીવન-મૃત્યુની જાણ સુધ્ધાં ના હોય. મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોય એ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં, જેમાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જાેકે કૂવામાં ઝંપલાવ્યા બાદ માતાએ કૂવાની પાઈપ પકડી લેતાં તેનો બચાવ થયો હતો.

મેસુડીબેનનો પતિ નરેશ ભૂરિયા ત્રણેક મહિનાથી પોતાના વતનમાં ગયો છે. જ્યારે મેસુડીબેન તેનાં ત્રણ સંતાનો અને સાસુ-સસરા સાથે મોરારદાસ ખંભાળિયામાં રહી ખેતમજૂરી કરતાં હતાં. પોતાનો પતિ લાંબા સમયથી પરત ના આવતાં મેસુડીબેનને લાગી આવ્યું હતું, જેને કારણે આ કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.