આણંદ : આણંદ પાલિકા ચૂંટણીમાં ભાજપે યુવાઓને તક આપવાનું આયોજન હાથ ધર્યું છે. જૂનાં જાેગીઓને કોરાણે મૂકવામાં આવતાં કોંગ્રેસ માટે સત્તાની તક જાેવામાં આવી રહી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ભાજપના ગઢ ગણાતાં વોર્ડ નં.૭, ૮, ૯, ૧૦માં કોંગ્રેસ માટે ઉમેદવારની વિટંબણા ઊભી થઈ છે. વોર્ડ પાંચમાં તો પક્ષ પલટુને ટિકિટ આપવાના ખેલ શરૂ થતાં એવો ચણભણાટ છે કે, સત્તાની તક હોવા છતાં મોંઢે આવેલો પ્યાલો ક્યાંક છીનવાઈ ન જાય તો સારું.

છેલ્લાં બે દાયકાથી આણંદ પાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આગામી પાલિકા ચૂંટણીમાં પાલિકામાં વકરેલાં ભ્રષ્ટાચારના કારણે અને નવી નીતિના લીધે ભાજપે ૧૧ સ્ટાર જેવાં ઉમેદવારને ઘરે બેસાડવા પડશે. કોંગ્રેસ માટે આ બાબત ટાઢા પાણીએ ખસ ગઈ જેવી બની છે. જાેકે, મજાની વાત એ છે કે, કોંગ્રેસ માટે પલડું ભારે થઈ ગયું હોવા છતાં ખાટલે મોટી ખોડ એ છે કે શહેરના વોર્ડ નં.૭, ૮, ૯, ૧૦ જે ભાજપના ગઢ માનવામાં આવે છે ત્યાં ઉમેદવારોને મેદાનમાં ઊતારવાની વિટંબણા ઊભી થઈ છે. બીજી બાજુ વોર્ડ નં.૫ કોંગ્રેસનો ગઢ હોવા છતાં ત્યાં પક્ષ પલટુંને ટિકિટ આપવાના ખેલ રચાઈ રહ્યાં છે. આ સ્થિતિ જાેતાં એવુો ગણગણાટ છે કે, કોંગ્રેસ મોઢાં સુધી આવેલો પ્યાલો પી નહીં શકે.