07, જુલાઈ 2022
ભાવનગર, ભાવનગર કોર્પો. દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે તવાઈ શરૂ કરતા આજે એસ્ટેટ વિભાગ દ્વારા કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં રોડની જગ્યા પર બે માળના કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું જ્યારે કાળીયાબીડ અને ગામતળમાં ટીડીઓ વિભાગ દ્વારા ૧૧ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુ.સાધારણ સભામાં ગેરકાયદે બાંધકામના પ્રશ્ને ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
ભૂતકાળમાં પણ કોર્પોરેશન દ્વારા જ્યારે જ્યારે દબાણ હટાવવાની અને ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે રાજકીય દબાણને વશ કડક કાર્યવાહીને બ્રેક લગાવી છે. શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ચોકમાં રસ્તાની જગ્યા પર છેલ્લા સાત-આઠ વર્ષથી ત્રણ દુકાનો અને બે કેબીનો સાથે બે માળનું પાકું બાંધકામ ગેરકાયદેસર રીતે કર્યું હતું. તેને હટાવવા માટે કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પણ આપી હોવા છતાં બાંધકામ દૂર નહીં કરાતા એસ્ટેટ વિભાગ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આજે કાળિયાબીડ અને ગામતળ વિસ્તારમાં ચાલુ ગેરકાયદેસર બાંધકામોને નોટિસની કાર્યવાહી યથાવત રાખી હતી ટીડીઓ દ્વારા આજે ગામતળ વિસ્તારમાં ૫ કોમર્શિયલ બાંધકામોને અને કાળિયાબીડ વિસ્તારમાં ૩ રેસિડેન્સીયલ અને ૨ કોમર્શિયલ બાંધકામને તેમજ દક્ષિણ કૃષ્ણનગર વિસ્તારમાં ૧ રેસિડેન્સીયલ બાંધકામ સહિત ૪ રેસિડેન્સીયલ અને ૭ કોમર્શિયલ મળી કુલ ૧૧ બાંધકામોને ૨૬૦/૧ અને ૨૬૭/૧ની નોટિસ ફટકારવામાં આવી છે.