રાનકુવા, તા.૪ 

બીલીમોરા શહેરમાં આવેલી ૧૭ જેટલી જર્જરિત ઇમારતોને ને ચોમાસા પહેલા તેને રીપેરીંગ કરાવવા નગરપાલિકાએ નોટિસો ફટકારી હોવા છતાં પણ રહીશોનું પેટનું પાણી નથી હાલતું. જેથી હવે નગરપાલિકા એવી અતિ જર્જરિત મિલકતોને સીલ મારવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરશે.

બીલીમોરા શહેરભરમાં જર્જરિત ઇમારતોને કારણે જીવનું જાખમ વધી જવા પામ્યું છે.નગરપાલિકાએ શહેરભરની જુદા જુદા વિસ્તારમાં આવેલી ૧૭ જેટલી ઇમારતો અને તેમાં રહેતા લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે એવી જર્જરિત ઇમારતોને રીપેરીંગ કરાવી અથવા તો એવી ઇમારતોને ઉતારી પાડવા નોટિસો ફટકારવાનું શરૂ કર્યું છે.નગરપાલિકાએ શહેરભરની ૧૭ એવી ઇમારતો જેમાં સાઇબાબા કોમ્પલેક્ષ, ભાવના સદન, કાદમ્બરી એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ ૨-૩ અને ૪, કમલ કુંજ (બી), કૃષ્ણકુંજ એ-બી અને સી, શ્રોફ કોમ્પ્લેક્સ, દ્વારકાધીશ મંદિર પાસે આવેલી ચાવડાની ચાલ, ડેગડી સ્ટ્રીટમાં આવેલી ચંદુ તુકારામ સોનીનું મકાન, સ્ટેશન રોડ ઉપર આવેલી સતનામ ઇલેક્ટ્રોનિકસ વાળી આખી બિલ્ડીંગ અને કસ્ટમ હાઉસ ના ક્વાર્ટર નો સમાવેશ થાય છે. કસ્ટમ હાઉસના ક્વાટર્સને નજીકના ભવિષ્યમાં સીલ કરવાની કાર્યવાહી નગરપાલિકા આરંભ કરશે એવું ઇન્ચાર્જ સિટી ઇજનેર હરીશ ટંડેલે જણાવ્યું હતું.