આડા સંબંધના વહેમમાં મોગરમાં યુવાનની કરપીણ હત્યા
03, ફેબ્રુઆરી 2021

આણંદ : આણંદ તાલુકાના મોગર ગામે આવેલાં નાગજી ભઈજીના ટેકરાં પાસે ગઈકાલે સાંજના સુમારે પત્ની સાથે આડો સંબંધ ધરાવતો હોવાનો વહેમ રાખીને બે ભાઈઓએ ધારીયા અને ચપ્પાના ઘા મારીને એક યુવાનની કરપીણ હત્યા કરી નાખતાં સનસનાટી વ્યાપી ગઈ હતી.

મોગર ગામે રહેતાં કિરણભાઈ ભાઈલાલભાઈ ઝાલાને વહેમ ભરાઈ ગયો હતો કે, તેની પત્નીને નજીકમાં જ રહેતાં સુનિલભાઈ સાથે આડો સંબંધ છે, જેને લઈને ઝઘડાઓ થતાં હોય સુનિલ ત્રણેક મહિનાથી વણસર ખાતે રહેતાં પોતાના બનેવી સુરેશભાઈને ત્યાં જતો રહ્યો હતો. ત્યાંથી દશેક દિવસ પહેલાં જ આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ ગામે રહેતાં બીજા બનેવી નરેન્દ્રભાઈ ભગવાનભાઈ સોલંકીને ત્યાં રહેવા ગયો હતો. દરમિયાન ગઈકાલે સુનિલે પોતાના ગામ મોગર જવાનું જણાવ્યું હતંુ, જેથી નરેન્દ્રભાઈ ગામના ડેપ્યુટી સરપંચને સાથે લઈને બાઈક પર મોગર ગામે સાંજના સુમારે આવ્યા હતા. જ્યાં કિરણભાઈ ભાઈલાલભાઈ ઝાલા અને તેનાં ભાઈ મહેશભાઈને ખબર પડી હતી કે, સુનિલ ગામમાં આવ્યો છે. જેથી તેઓ ઉશ્કેરાઈ ગયં હતાં. મહેશ ધારીયું તેમજ કિરણ ચપ્પુ લઈને દોડતાં આવીને સુનિલ ગામમાં કેમ આવ્યો? તેમ કહીને ઘરની બહાર બેઠેલાં સુનિલના સગીર નાનાભાઈ (ઉ.વ.૧૬)ને ખભાના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો, જેથી સુનિલ બચવા માટે વાડા તરફ ભાગતાં મહેશ અને કિરણે પીછો કરીને કિરણે માથામાં ધારીયાનો ઘા મારી દીધો હતો. જ્યારે સગીર ભાઈને ચપ્પાથી પેટના ભાગે, જમણાં પગની જાંઘના ભાગે ચારથી પાંચ જેટલા ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો.

એકાએક થયેલાં હુમલાને લઈને પરિવારના સભ્યો પણ ગભરાઈ ગયાં હતાં. ૧૦૮ મોબાઈલ વાનને ફોન કરતાં તેઓ આવી ચઢ્યાં હતાં અને ગંભીર રીતે ઘવાયેલાં સુનિલ અને તેનાં સગીર ભાઈને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સુનિલનું મોત થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution