રાજકોટ-

રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ રાજકુમાર કોલેજના ટ્રસ્ટની ચુંટણીની મતદાર યાદીમાં ચુંટણી અધિકારી દ્વારા ૪ રાજવીઓના નામ ઉમેરવાના ર્નિણય સામેની અરજીને ગુરુવારે હાઈકોર્ટના સિંગલ જજે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, ‘આ અરજી ટકવાપાત્ર નથી.’ આ ચુકાદા સામે ટ્રસ્ટ હાઈકોર્ટની ખંડપીઠમાં અપીલ કરે તેવી સંભાવના છે. હાઈકોર્ટમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટની રજૂઆત હતી કે, ‘આ ચારેય રાજવીઓના નામ ટ્રસ્ટના રજિસ્ટરમાં નોંધાયેલા નથી. આ નામ દાખલ ન કરવા માટે ટ્રસ્ટે ચાલુ વર્ષે જ ઠરાવ પસાર કરેલો છે. જેને પડકારાયેલો નથી, તેથી તેમના નામ મતદાર યાદીમાં ઉમેરી ન શકાય. ચુંટણી પ્રક્રિયા શરૃ થઈ ચુકી છે અને અરજદારે ચુંટણી અધિકારીના ર્નિણયને પડકારેલો છે, તો ચુંટણી પ્રક્રિયા સામે વચગાળાનો સ્ટે આપો. ‘ ચાર રાજવીઓના વકીલની રજૂઆત હતી કે, ‘ચુંટણી અધિકારી સામે હાઈકોર્ટમાં ટ્રસ્ટે કરેલી આ અરજી ટકવાપાત્ર નથી. ટ્રસ્ટની ચુંટણી બાદ, નવા ટ્રસ્ટીઓની નિમણૂંક સંદર્ભે જે ચેઈન્જ રિપોર્ટ રજૂ કરાય ત્યારે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ચુંટણી અધિકારીના ર્નિણયને પડકારી શકાય છે. અરજદાર ટ્રસ્ટ પાસે વૈકિલ્પક સુવિધા ઉપલબ્ધ હોવાથી આ અરજીને નકારો. ભૂતકાળમાં ટ્રસ્ટે જાેઈંટ ચેરિટી કમિશનર સમક્ષ નામ દાખલ કરવા મુદ્દે અરજી કરેલી, જેને ફગાવી દેવાઈ હતી. આ હુકમને ટ્રસ્ટે હાઈકોર્ટ સમક્ષ છુપાવ્યો છે. જેથી, પ્રાથમિક દૃષ્ટિએ પણ આ અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર નથી.’ થોડા સમય પહેલા રાજકોટના જાેઈંટ ચેરિટી કમિશનરે આ ટ્રસ્ટની ચુંટણી માટે નિર્દેશ આપીને ચુંટણી અધિકારીની નિમણૂંક કરેેલી છે. આ પછી, ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. આ સમયે, ધ્રોલ, વીરપુર સહિત કુલ ૪ રાજવીઓએ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે વિનંતી કરેલી, જેને ચુંટણી અધિકારીએ સ્વીકારી હતી. રાજકુમાર કોલેજ ટ્રસ્ટની ૭ બેઠકો માટે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચુંટણી યોજાશે.