ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખૂલ્લો મૂકવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયા બાદ ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખૂલ્લો રહેશે. જેમાં નાગરિકો કેરીઓની વિવિધ વેરાઈટીઓને જાેઈ શકશે અને ખરીદી પણ શકશે તેમ પ્રવાસન વિભાગના એમડી. આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું.

ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ સહીત રાજ્યના વિવિધ સ્થળોએ દર વર્ષે મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે એટલે કે ત્રણ દિવસ દરમિયાન પાટનગર ગાંધીનગરના સેક્ટર-૧૧ ના રામકથા મેદાન ખાતે “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તા.૨૭ મી મે,ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે ઉદઘાટન કરવામાં આવશે. આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવ અંગે કમિશનર ઓફ ટૂરિઝમ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં દેશના વિવિધ ૧૫ રાજ્યોમાં ઉત્પાદિત થતી કેરીની વિવિધ ૨૦૦ જેટલી કેરીની વેરાઈટીને રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અન તમિલનાડુ સહીત ૧૫ રાજ્યોમાંથી વિવિધ પ્રકારની કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો જુદી જુદી ૨૦૦ પ્રકારની કેરીની વેરાઈટીને રજૂ કરશે.જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલદા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબ ખસ અને હિમ સાગર, બિહારની કિસન ભોગ અને જરદાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા છે. મહોત્સવના ઉદઘાટન બાદ આ સ્ટોલને જાહેર જનતા માટે ખૂલ્લાં મુકવામાં આવશે.