અમદાવાદ-

કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાની તબિયતમાં સુધારો થયો છે. એહમદ પટેલની તબિયતમાં પણ સુધારો આવ્યો છે. કોરોના થયા બાદ એહમદ પટેલ છેલ્લા ઘણા દિવસથી સારવાર હેઠળ છે.

ગત તા.14 કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની તબિયત લથડતા તેમને દિલ્હીની વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે પાંચ દિવસ બાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. દિવાળીના પર્વ વચ્ચે આ સમાચાર મળતા જ કોંગીજનોમાં ચિંતાનો મોજું જોવા મળી હતું. જોકે આજે અહેમદ પટેલના દીકરી મુમતાઝબેને એક ઓડિયો સંદેશ મારફત પિતાના સ્વાથ્ય અંગે માહિતી આપી હતી.

મુમતાઝબેનના જણાવ્યા મુજબ અહેમદ પટેલની સારવાર કરી રહેલા ડોકટરો સાથે તેઓ સતત સંપર્કમાં છે. તબીબોના જણાવ્યા મુજબ પાંચ દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, સારવાર હજુ ચાલુ છે. મુમતાઝબેને વધુમાં ઉમેર્યું હતું કે, તેમના પિતાના ખબર અંતર પૂછવા ઘણા ફોન કોલ્સ અને મેસેજ મળી રહ્યા છે. તમામને તેઓ પ્રતિઉત્તર આપી શકતા ન હોવાથી ઓડિયો સંદેશ મારફત સમયાંતરે અહેમદભાઈના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા રહેશે. મુમતાઝબેને તેમના પિતાના સ્વાસ્થ્ય અંગે દુઆ, પ્રાર્થના કરતા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. તેમને લમ્સ ઇન્ફેક્શન થયુ હતું. અચાનક તેમની તબિયત લથડતા સારવાર માટે દિલ્હીની વેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીમાં ડોક્ટરોની ટીમ અહેમદ પટેલની સારવાર કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ પણ અહેમદ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. હાલ તેઓની તબિયત સુધારા પર છે.