અમદાવાદ-

જેનો ડર હતો તે જ થયું. અત્યાર સુધી જે શાળાના સંચાલકો બાળકોને શાળાએ આવવા અને વાલીઓને બળકોને શાળાએ મોકલવા ધમકાવતા હતા એ શાળાના સંચાલકોએ હવે ઓનલાઇન શિક્ષણનું ફિન્ડલું વાળી દીધું છે. જાેકે, હજુ રાજ્ય સરકારે કે શિક્ષણ વિભાગે ઓનલાઇન શિક્ષણ બંધ કરી ફૂલ ફ્લેઝમાં ઓફલાઇન શિક્ષણનો કોઈ નિર્દેશ કર્યો નથી. તે છતાં પણ કેટલીક શાળાના સંચાલકોએ પોતાના મનનું ધાર્યું કરી લીધું છે. અને હવે ઓનલાઇન શિક્ષણ બંધ કરીને ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દીધું છે. આમ તો કોરોનાના કેસ ઘટતા રાજ્યના શિક્ષણ વિભાગ અને તે સમયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જે વાલીઓ પોતાના બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી તે બાળકો માટે શાળાએ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવું પડશે.

એટલું જ નહીં, જાે બાળક બીમાર હોય કે કોઈ કારણસર શાળાએ ન આવી શકે તેઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવું તેવું પણ કહેવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે આપેલા આદેશો જાણે સ્વાહા થઈ ગયા હોય તેમ લાગે છે. કારણ કે અત્યાર સુધી જે શાળાના સંચાલકો બાળકોને શાળાએ મોકલવા વાલીઓ પર દબાણ કરતા હતા તે વાલીઓ હવે બાળકોને શાળાએ મોકલવા મજબૂર બન્યા છે. મહત્વની વાત એ પણ છે કે, કેટલીક શાળાઓ પાસે વર્ગોમાં વિધાર્થીઓને બેસાડવાની પૂરતી વ્યવસ્થા નથી. જેથી એક જ કલાસરૂમમાં ૨૦થી વધુ વિધાર્થઓ નહીં બરસાડવા અને એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસાડવાની વાત પણ હવા થઈ ગઈ છે. કેટલીક શાળાઓ એક બેન્ચ પર ત્રણથી ચાર વિધાર્થી બેસાડવા લાગ્યા છે એટલે સોશિયલ ડિસ્ટનસનો પણ ભંગ કરી રહ્યા છે. એવું પણ નથી કે, જિલ્લા શિક્ષણ અધિકારી આ વાતથી અજાણ છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસને આ બાબતથી વાકેફ છે. પણ હાલમાં શિક્ષણ બોર્ડની ચૂંટણીના કામમાં સૌ અધિકારીઓ વ્યસ્ત છે તેવું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. સવાલ અહીં એ થાય છે કે, અગાઉ સુરતમાં કોરોનાના કેસના કારણે શાળા બંધ કરાવવાની ઘટના બની ચુકી છે. તેવામાં કેટલાક શાળાના સંચાલકો કોરોના ગાઈડ લાઈનને અભેરાઇએ ચઢાવી દીધી છે. સદનસીબે હાલ કોરોનાના કોઈ કેસ નથી તે સારી બાબત છે પરંતુ કોરોના હજુ ગયો નથી અને સાવધાની એ જ સમજદારી છે તેવું ગાઈ વગાડીને કહેવામાં આવે છે, પણ કેટલાક શાળાના સંચાલકો અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે તે પણ એક સત્ય હકીકત છે.