વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં ૨૫-૨૫ વર્ષથી શાસન હોવા છતાં વિકાસના નામે સ્વ વિકાસ કરનાર હાલ ચૂંટણી લડી રહેલા પૂર્વ શાસકો સામે ઠેકઠેકાણે પ્રજાનો આક્રોશ જ્વાળામુખીની માફક ફાટી નીકળ્યો છે. જેને લઈને આટઆટલા વર્ષોના શાસનમાં દુઃશાસનોના કુશાસનથી ત્રાસેલી પ્રજાએ ઠેરઠેર જાકારો આપ્યો છે. જેમ જેમ વડોદરા મહાનગર પાલિકાની ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીનો દિવસ નજીક આવતો જાય છે.એમ એમ રોજે રોજ ચાર પાંચ વિસ્તારમાં ભાજપના નામના છાજીયા લેવાઈ રહ્યા છે.

ત્યારે આવી વણકલ્પેલી વિકટ સ્થિતિ સર્જાતા હવામાં ઉડી રહેલા અને આકાશી સ્વપ્ન જાેતા પૂર્વ શાસકોના ઉમેદવારોને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને પ્રજાએ જ ઠેરઠેર સર્વત્ર રોકડું પરખાવી દેતા પૂર્વ શાસકોના પગ નીચેથી ધરતી સરી રહયાનું અનુભવી રહયા છે.જેને લઈને સત્તાના સ્વપ્ન જાેનારાઓને એ ચકનાચૂર થતા અને પત્તાના મહેલની માફક ખરી જતા દેખાતા ચહેરા પરનું નૂર ઉડી ગયેલું સ્પષ્ટ જણાઈ આવે છે. એમાંય વડોદરાના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને જેઓને માટે સતત પોતાના જ વિસ્તાર ટી.પી.૧૩ના વિકાસ પાછળ પાલિકાનું મોટાભાગનું બજેટ વાપરયાના આક્ષેપો થયા હતા.એ સતિષ પટેલનો એમના જ વિસ્તાર છાણીની આસપાસની સોસાયટીઓમાં આજે બહિષ્કાર થતા છછેડાયા હતા.તેમજ હજુ સત્તાનો નશો ઉતર્યો ન હોય એમ બહિષ્કાર કરનારાઓને કાર્યકરો અને સમર્થકો મારફત વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જેમ ધમકીઓ ઉચ્ચારતા રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. દબંગગીરી કરવા નીકળેલા છાણીના નેતાએ અહંમાં પુનઃ અમે જ સત્તા પર આવવાના છે.ત્યારે જાેઈ લઈશું એવી ધમકી પણ ઊચ્ચાર્યાના આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા કરાયા હતા. આ બાબતને લઈને વોર્ડ-૧માં પોતાના જ વિસ્તારમાંથી જાકારો મળતા રહીસહી આબરૂનું પણ ધોવાણ થયેલું જાેતા એનો આક્રોશ નિર્દોષ પ્રજા પર ઠાલવ્યાંની ચર્ચાઓ પણ છાણી વિસ્તારમાં થઇ રહી છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નંબર ૧૬માં અને વોર્ડ ૧૮ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોને પ્રચાર કરવા ગયા ત્યારે પ્રજાએ ઉભી પૂંછડિયે ભગાવતા પક્ષમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

તેમજ આટલા વર્ષોનું શાસન પત્તાના મહેલની માફક કકડભૂસ થતું જણાઈ રહ્યું છે.ત્યારે પક્ષ આ વિરોધને ખાળવાને માટે ડેમેજ કંટ્રોલ કરવા આકાશપાતાળ એક કરી રહ્યું છે. પરંતુ પક્ષની આંતરિક જૂથબંધી અને આંતરિક ખેંચતાણને લઈને હજુ સુધી એમાં સફળતા ન મળતા પરિસ્થિતિ દિવસે દિવસે વધુને વધુ કઠિન બની રહી છે.જાે કે પક્ષના નેતાઓ સબસલામતનો દાવો કરી રહયા છે.તેમજ મિશન -૭૬ સફળ થઈને જ રહેશે એવો દાવો આવી વિકટ સ્થિતિમાં પણ કરી રહ્યા છે.ત્યારે એમના દાવા સામેં ખુદ પક્ષના જ કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે છ કે સાત વોર્ડમાંથી પેનલો આવે તોય ઘણું છે. ભાજપના ઉમેદવારો દ્વારા ઠેરઠેર યુવા મંડળો અને અન્યોને પ્રલોભનો અને ભેટ સોગાદો આપવા છતાં એનો ઇન્કાર પણ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત પક્ષ દ્વારા યોજાતા જમણવારનો પણ બહિષ્કાર કરાતા રસોઈ ફેંકી દેવાનો વારો આવ્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ ચૂંટણીનું પરિણામ પક્ષના મિશન-૭૬ની ધારણા કરતા ઉલટું આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહિ એમ ખુદ ભાજપના જૂથોમાં અને કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.