દિલ્હી-

આમ તો દુનિયાભરના દેશોમાં તલાકની પરંપરા અને કાયદા છે અને મોટી સંખ્યામાં છૂટાછેડાના કેસ પણ સામે આવે છે. લગ્નજીવનની સફર જો ઘણી મુશ્કેલ થઈ જાય તો લોકો છૂટાછેડા લઇને અલગ રસ્તો શોધે છે. છૂટાછેડા લેવા માટે દરેક દેશમાં કાયદા પણ બન્યા છે, પરંતુ એશિયામાં એક દેશ એવો પણ છે જ્યાં છૂટાછેડાની કોઈ જાેગવાઈ નથી. આ દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર દેશ છે, જ્યાં છૂટાછેડાની કોઈ વ્યવસ્થા નથી.

ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ કેથોલિક દેશોના એક સમૂહનો ભાગ છે. કેથોલિક ચર્ચના પ્રભાવના કારણે જ આ દેશમાં છૂટાછેડાની કોઈ જાેગવાઈ નથી. વર્ષ 2015માં જ્યારે પોપ ફ્રાન્સિસ ફિલિપાઇન્સ ગયા હતા, ત્યારે ત્યાંના ધર્મગુરૂઓને અપીલ કરી હતી કે છૂટાછેડા ઇચ્છનારા કેથોલિક લોકો પ્રત્યે સહાનુભૂતિનો દ્રષ્ટિકોણ રાખવો જાેઇએ, પરંતુ ફિલિપાઇન્સમાં છૂટાછેડા લીધેલા કેથોલિક હોવું અપમાનજનક માનવામાં આવે છે. તેમને એ વાત પર ગર્વ છે કે દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર દેશ છે જ્યાં છૂટાછેડા નથી લઇ શકાતા.

લગભગ 4 સદી સુધી ફિલિપાઇન્સ પર સ્પેનનું શાસન હતુ. આ દરમિયાન મોટાભાગની જનતાએ ઈસાઈ ધર્મ અપનાવ્યો. સમાજમાં કેથોલિક રૂઢિવાદી નિયમોએ પોતાના પગ જમાવ્યા, પરંતુ વર્ષ 1898માં સ્પેન-અમેરિકા યુદ્ધ થયું અને ફિલિપાઇન્સ પર અમેરિકાનું શાસન આવ્યું, ત્યારે છૂટાછેડા માટે એક કાયદો બનાવવામાં આવ્યો. વર્ષ 1917માં કાયદા પ્રમાણે લોકોને છૂટાછેડા માટેની પરવાગની તો આપવામાં આવી, પરંતુ એક શરત હતી. આ શરત હતી કે જાે પતિ-પત્નીમાંથી કોઈ એડલ્ટરી કરતુ મળશે તો છૂટાછેડા લઇ શકાય છે.

દ્વિતિય વિશ્વયુદ્ધના સમયે ફિલિપાઇન્સ પર જાપાને કબજાે કર્યો ત્યારે પણ છૂટાછેડા માટે એક નવો કાયદો બનાવવામાં આવ્યો, પરંતુ નવો કાયદો કેટલાક વર્ષો સુધી જ ચાલ્યો અને વર્ષ 1944માં અમેરિકાએ જ્યારે ફરીવાર કબજાે કર્યો તો જૂનો કાયદો જ લાગુ કરી દીધો. વર્ષ 1950માં ફિલિપાઇન્સ અમેરિકાના કબજાથી આઝાદ થયું, તો ત્યારબાદ ચર્ચના પ્રભાવમાં છૂટાછેડાનો કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો. ત્યારથી છૂટાછેડા પર જે પ્રતિબંધ લાગ્યો તે આજ સુધી ચાલું છે. ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સમાં છૂટાછેડા ના લેવાનો પ્રતિબંધ ફક્ત ઈસાઈઓ પર છે. અહીંની 6થી 7 ટકા મુસ્લિમ વસ્તી પોતાના પર્સનલ લૉ પ્રમાણે છૂટાછેડા લઈ શકે છે.