પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પછીરિસાયેલી પત્નીએ પિયરમાં કહેતાં ઝઘડો મારામારી સુધી પહોંચ્યો
07, માર્ચ 2021

નડિયાદ : નડિયાદ તાલુકાના જાવોલમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ રિસાઈ ગયેલી પત્નીએ પોતાના પિયરમાં વાત જણાવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પિયરિયાઓએ પરિણીતાનાં સાસરે આવી મારામારી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નડિયાદ તાલુકાના જાવોલ ગામે નવાપુરા વિસ્તારમાં રહેતાં પૂનમભાઈ શનાભાઈ સોલંકીને ગત રોજ પત્ની જલ્પાબેન સાથે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ રિસાઈ ગયેલાં જલ્પાબેને આ વાતની જાણ પોતાના પિયરમાં કરી હતી. એ પછી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

પરિણીતાનાં પિયરના લોકોએ ગત રોજ જાવોલ મુકામે પૂનમભાઈના ઘરે આવી તેઓની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં લોકોએ પૂનમભાઈને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પૂનમભાઈએ ચકલાસી પોલીસ મથકે તેઓના સસરાં ખોડાભાઈ નાથાભાઈ પરમાર, સાળો હાર્દિકભાઈ પરમાર, સાઢુ ભગવાનભાઈ સોલંકી અને વિજયભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution