વલસાડ-

સોમવાર સાંજથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. સાથે જ જિલ્લા સાંજના સમયે જિલ્લાના ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉંમરગામ સહિતના તમામ તાલુકાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે તોફાની વાતાવરણમાં વલસાડ જિલ્લાના સૌથી મોટા પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે. જિલ્લાના ધરમપુર-કપરાડા વાપી વલસાડ પારડી અને ઉંમરગામ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં ૪૫ હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાના સમયે જ ગઇકાલે વરસાદી વાતાવરણ અને વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે બગડી ગયેલા કેરીના પાકના ભાવ પણ ઓછા આવી શકે છે. ગયા વર્ષે લોકડાઉન અને આ વખતે પણ મીની લોકડાઉન જેવો માહોલ અને ત્યારબાદ હવે આ તૌક્તે આફતને પગલે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.