લોકસત્તા વિશેષ, તા.૧૯

દેશમાં સનાતન હિન્દુ ધર્મ અને હિન્દુ હિતની રક્ષા કરનાર પક્ષ તરીકેની છાપ ધરાવનાર ભાજપાના સ્થાનિક નેતાઓનો આંતરીક ડખો આખરે ધર્મની પ્રક્રિયા પર હાવી થવામાં સફળ રહ્યો હતો. કારેલીબાગ વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણ મંદિર વચ્ચેના સોદામાં ભાજપના નેતાઓ વચ્ચેની અહમના ટકરાવને લઈ શરૃ થયેલી રાજકીય લડાઈ સામાજીક લડાઈમાં પરિવર્તીત થતાં આખરે વૈષ્ણવાચાર્યોએ હવેલીના સ્થળાંતરના ર્નિણયને હાલ પુરતો સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ અંગે વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજીએ ભારે હૈયે જાહેરાત કરી હવનમાં હાડકા નાખનારાઓ સફળ રહ્યાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં શહેર ભાજપની સંગઠનની ટોળકીએ વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી સાથે નિકટતાથી સંકળાયેલા મેયર કેયુર રોકડીયાને કદ પ્રમાણે વેતરી પોતાની તાકાત દેખાડવાનો કારસો સફળ કર્યો હોવાનું તારણ વહેતું થયું છે.

આજે મોડી સાંજે માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલમાં આયોજીત પત્રકાર પરિષદામાં વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહારાજે ભારે હૈયે આક્રોશ સાથે જણાવ્યું હતુંકે ઠાકોરજીના સુખાર્થે તેમજ વૈષ્ણવોની સુવિધા અર્થે વૈષ્ણવોની જુની રજુઆત આધારે લેવામાં આવેલા ર્નિણય સામે સમજ્યા વગર વિરોધ કરી વાતાવરણ ખરાબ કરવામાં આવ્યું હતું. તેમાં પણ કારેલીબાગ ગોવર્ધનનાથજી હવેલી ખાતે જઈ બુમાબુમ કરી વલ્લભકુળ પરિવારે કોઈ ખોટું કર્યું હોય તેવો માહોલ ઉભો કરી વિવાદ વધાર્યો હતો. પરંતું સારા ધાર્મિક કાર્યના હવનમાં જેમ વિધ્ન સંતોષીઓ હાડકા નાંખતા હોય છે તેમ આ સતકાર્યના હવનમાં હાડકા નાખનારાઓ ઠાકોરજીના સુખાર્થે લેવાયેલા ર્નિણયને ભુલી જાય છે.

આ સમયે તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતુંકે કારેલીબાગ હવેલીમાં બિરાજમાન ઠાકોરજીના સ્વરૃપ વલ્લભકુળ પરિવારની નીજ સેવાના સ્વરૃપ છે. જે ટ્રસ્ટની મિલકત નથી. માત્ર હવેલીનું મકાન જ ટ્રસ્ટની મિલકત છે. જેથી ઠાકરોજીની સેવા ક્યાં રાખવી?, ઠાકોરજીને નિજ સેવામાં રાખવા કે વૈષ્ણવોના દર્શનઆર્થે રાખવા તે તમામ બાબત વલ્લભકુળને આધિન છે. પરંતું ઠાકોરજી હાલ કારેલીબાગ હવેલીમાં જ દર્શનાર્થે રહેશે. ભવિષ્યમાં જ્યાં સુધી સર્વસંમતિથી નવી હવેલીનું નિર્માણ કારેલીબાગમાંજ થાય અને ત્યાં ઠાકરોજીની પધરામણી થાય ત્યાર પછી જ સ્વામીનારાયણ સંસ્થાને કબ્જાે આપવાની વાત છે. જાેકે આ ચર્ચા હાલ અસ્થાને હોવાનું જણાવી તેઓએ હાલ પુરતો હવેલી અને ઠાકરોજીના દર્શનને સ્થળાંતર કરવાનો ર્નિણય વલ્લભકુળ પરિવારે સ્થગિત કર્યો હોવાની જાહેરાત કરી હતી.

‘કારેલીબાગ હવેલી પર હલ્લો બોલાવનાર વૈષ્ણવો પાછળ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું પીઠબળ?ૃ

કારેલીબાગ વૈષ્ણવ હવેલીના સ્થળાંતર મામલે શરૃ થયેલો રાજકીય વિવાદ સામાજીક વિવાદમાં પરિવર્તીત થવા સાથે હવેલી ખાતે હોબાળો મચાવી વિરોધમાં સૂત્રોચાર કરવાની ઘટના પાછળ શહેર ભાજપ પ્રમુખ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના શહેર પ્રમુખ ડો. વિજય શાહનું સીધુ પીઠબળ હોવાની ચોંકાવનારી વિગતો ચર્ચામાં આવી છે. આ વિવાદમાં ડો. વિજય શાહના ઈશારે વિરોધીઓ બેફામ આક્ષેપ કરી રહ્યા હોવાની વાતો વહેતી થતાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ગુજરાતના પ્રમુખ અને મહામંત્રી આજે વડોદરા દોડી આવ્યા હતા. જેઓએ ડો. વિજય શાહને માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે બોલાવી વૈષ્ણવાચાર્ય સાથે બંધબારણે બેઠક કરી હતી. જ્યાં ડો. વિજય શાહને લગભગ ૨ કલાક સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ વિવાદમાં સમાધાન કરાવવા આવેલા ગુજરાત વૈષ્ણવ વણિક પરિવારના અગ્રણીઓ ત્યાર બાદ ડો. વિજય શાહના ઘરે ગયા હતા જ્યાં હવેલી પર વિરોધ કરનાર કેટલાક લોકો વૈષ્ણવ વણિક પરિવારના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વિવાદમાં વિરોધીઓને ડો. વિજય શાહનું પીઠબળ હોવાનું વહેતું થતા તેના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાધાતો પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કારેલીબાગ વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણ સંસ્થાના સોદામાં ઉઠેલા સામજીક વિરોધ પાછળ ડો. વિજય શાહનો દોરીસંચાર હોવાનું સામે આવ્યું છે. જેમાં હવેલી પર જઈ જાહેરામાં વિરોધ કરનાર ટોળાની આગેવાની લેનાર વૈષ્ણવ દિનેશભાઈ શાહ ડો. વિજય શાહ જેના પ્રમુખ છે તે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના હોદ્દેદાર અને કારોબારી સભ્ય છે. જેઓ વૈષ્ણવ વણિક પરિવારમાં વિવિધ સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય લોકો પણ દિનેશભાઈ શાહ સાથે જાેડાયેલા હોવાનુ કહેવાય છે. ત્યારે વૈષ્ણવચાર્યોને આ સમજ આવતા તેઓએ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ગુજરાતના હોદ્દેદારોને જાણ કરી વડોદરા બોલાવ્યા હતા. જ્યાં ડો. વિજય શાહને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જાેકે બંધબારણે ચાલેલી બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીયછેકે વડોદરા આવેલા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ગુજરાતના પ્રમુખ કિરીટભાઈ શાહ અને મહામંત્રી દક્ષેશભાઈ શાહ ત્યાર બાદ ડો. વિજય શાહના ઘરે ગયા હતા. જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની વડોદરાની ટીમ ઉપસ્થિત હતી. આ સમયે કારેલીબાગ હવેલીએ સ્થળાંતર સામે વિરોધ પ્રદર્શન કરનાર વૈષ્ણવો પૈકી કેટલાકની ઉપસ્થિતિએ પ્રદેશ હોદ્દેદારોને પણ ચોંકાવી દીધા હતા.