18, માર્ચ 2021
દાહોદ
દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે ચાલુ વીજ લાઇનને અડકતા એક વાનરને કરંટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને સમયસરની સારવાર આપતાં વાનરનો જીવ બચી ગયો હતો. દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે કુદાકુદ કરતી વાનર ટોળકી પૈકીના એક વાનરે ચાલુ વીજ લાઇનને પકડી લેતાં તેને કરંટનો જાેરદાર ઝાટકો વાગ્યો હતો.
કરંટને કારણે વાનર ગંભીર રૂપે ઘાયલ થયો હતો. બનાવની જાણ થતાં ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપના સભ્યો કૃષાલ ભુગદે, હિરલ જાદવ, સિદ્ધાર્થ ખપેડ અને સંસ્કાર ટેલર ઘટના સ્થળે ધસી ગયા હતાં. શરીરે ઉઝરડા પડી ગયા હોઇ પીડાથી કણસતા વાનરને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપી પશુચિકિત્સક દર્શન ડામોરને તેડાવ્યા હતાં. વાનરને મળેલી તાત્કાલિક સારવારને કારણે તેનો જીવ તો બચી ગયો હતો.