વડોદરા,તા.૨૭ 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કમાટીબાગથી નરહરિ આરોગ્ય ધામ જવાના માર્ગ પર આવેલ કલ્યાણનગરના આવાસોને પાલિકા દ્વારા જમીનદોસ્ત કરીને આ જગ્યાને પીપીપી ધોરણે ડેવલોપ કરવાને માટે આપી હતી. પરંતુ આ ઈજારો લેનાર ઇજારદારે શાસકોના છુપા આશીર્વાદ અને મહેરબાનીને લઈને અનેક ગેરરીતિઓ કરવા છતાં એની સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આ કારણસર કલ્યાણનગરના રહીશો હેરાન પરેશાન થઇ રહયા છે. આ બાબતે રહીશો અને કોંગ્રેસ દ્વારા સામુહિક રીતે પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવાને માટે રજૂઆત કરી છે. પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર ૩ના કલ્યાણનગર ખાતે ત્યાંના રહેવાસીઓને સાથે રાખીને વડોદરા શહેર કોંગ્રેસના મંત્રી દિપક દેસાઈ અને વોર્ડ ૩ના પ્રમુખ હેરી ઓડ દ્વારા અન્યાય બાબતે રજૂઆત કરવામાં આવી છે. એક તરફ તહેવારોના દિવસો છે. બીજી તરફ ઈદ,દિવાળી,નવરાત્રી જેવા દિવસોમાં પણ લાભાર્થીઓને આઠ આઠ માસથી કોઈપણ પ્રકારનું નક્કી કરેલ ભાડું ન મળતા આક્રોશ વ્યક્ત કરાયો છે. આટલું ઓછું હોય એમ પડતા પર પાટુ મરાતું હોય એમ પાલિકા દ્વારા કલ્યાણનગર ખાતે ફાળવવામાં આવનાર મકાનોને લઈને તાત્કાલિક ધોરણે ડ્રો કરતા પહેલા નક્કી કરેલ રકમ ચુકાવવાને માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. એક તરફ ભાડાને માટે પાલિકા ઠાગા ઠૈયા કરી રહી છે. બીજી બાજુ ડ્રો પહેલા પઠાણી ઉઘરાણી કરવાને માટે નોટિસ બહાર પાડે છે. આવી બેધારી નીતિનો ઉગ્ર વિરોધ કરાયો છે. આવા મંદીના કાળમાં સામાન્ય રોજની મજૂરી કરીને રોજ ખાનારા ચ ચ માસ સુધી ઘેર બેઠા પછીથી એકાએક રાતોરાત રૂપિયા ક્યાંથી લાવે એવો પ્રશ્ન રહીશોએ ઉઠાવ્યો છે. જેથી ડ્રો પહેલાની અને ત્યારબાદ ભરવાની થતી રકમની મુદ્દત વધારવાની માગ કરવામાં આવી છે.