અમેરિકા

કોરોના વાયરસ વિશ્વના ખૂણે ખૂણામાં આતંક ફેલાવી રહ્યો છે. ત્યારે વિશ્વના દરેક દેશો તેની સામે લડવાની યોજના ઘડી રહ્યા છે. આ અંગે હવે અમેરિકામાં તેની જવાબદારી ડોક્ટર વિવેક મૂર્તિ ઉપાડવા જઈ રહ્યા છે. જેઓ મૂળ ભારતીય અમેરિકન નાગરિક છે. બરાક ઓબામાના સમયમાં સર્જન જનરલ રહી ચૂકેલા ડોક્ટર વિવેક ફરી એક વાર બાઇડન સરકારમાં સર્જન જનરલ તરીકે પસંદગી પામ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના નવા સર્જન જનરલ ભારતીય-અમેરિકન વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા કોરોના વાયરસને નાબૂદ કરવાની છે. સર્જન જનરલ તરીકે ચૂંટાયા બાદ વિવેક મૂર્તિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે “ફરી એક વાર સર્જન જનરલ તરીકે સેવા આપવા માટે સેનેટ દ્વારા પસંદગી પામવા બદલ હું ખૂબ આભારી છું. આપણે છેલ્લા એક વર્ષમાં દેશ તરીકે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હું આપણા દેશને શાનદાર અને આપણા બાળકોના સારા ભવિષ્યના નિર્માણ માટે તમારી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.

યુએસ સેનેટે મંગળવારે વિવેક મૂર્તિને સર્જન જનરલ તરીકે પસંદ કરવા માટે મત આપ્યો હતો. યુએસના 57 સેનેટરોએ વિવેક મૂર્તિની તરફેણમાં મત આપ્યો હતો. જ્યારે આ મતમાં 43 સેનેટરોએ તેમના નામ સામે સંતોષ વ્યક્ત કર્યો ન હતો. અને તેમને મત આપ્યો ન હતો. આ બહુમતી સાથે મૂળ ભારતીય અમેરિકન પ્રતિમાની બાઇડનના સર્જન જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવી. ડોક્ટર વિવેક મૂર્તિએ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન સર્જન જનરલ તરીકે સેવા આપી હતી. પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને 2017 માં આ પદ પરથી હટાવ્યા હતા. હવે તેઓ ફરીથી સર્જન જનરલ તરીકે સેવા આપવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિવેક મૂર્તિના પરિવારના કેટલાક લોકો પણ કોરોના વાયરસના ચેપથી સંક્રમિત થયા હતા. વિવેક મૂર્તિએ સેનેટરોને કહ્યું કે તેઓ સામાન્ય લોકોને સ્પષ્ટ, વિજ્ઞાન આધારિત માર્ગદર્શન આપીને લોકો અને તેમના પરિવારોના રક્ષણમાં મદદ કરવા માંગે છે. માસ્ક પહેરવા જેવા રક્ષણાત્મક પગલાં લેવા અમેરિકન લોકોને આશ્વાસન આપવું તેમના માટે સખત પડકાર બની રહ્યું છે. આ પહેલા વિવેક મૂર્તિએ બાઇડનના કોરોનાવાયરસ સલાહકાર મંડળના સહ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. આ પરથી જાણી પણ શકાય છે અને એવું કહેવામાં પણ આવે છે કે વિવેક મૂર્તિ રાષ્ટ્રપતિની ખૂબ નજીકના વ્યક્તિ છે.