ગાંધીનગર ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામા આવ્યું હતું. ૭ બેઠકોમાંથી ૫ બેઠકોમાં પાટીદાર ઉમેદવારો જીત્યા છે. શિક્ષણ બોર્ડમાં પણ પાટીદારોનો દબદબો જાેવા મળશે. સંચાલક મંડળની બેઠક મુદ્દે મોડી રાત સુધી રી-કાઉન્ટિંગ ચાલ્યું હતું. શિક્ષણ બોર્ડના કુલ ૨૬ સભ્યોમાંથી હોદ્દાની રૂએ નિમાતા સભ્યોને બાદ કરતા બાકીના ખ વર્ગમાં યોજાયેલી ૯ બેઠકોની ચૂંટણીમાં અગાઉ બે બેઠકો બિનહરિફ થયા બાદ ૭ બેઠકો માટે ૨૫મીએ મતદાન પ્રક્રિયા થઈ હતી.જેમાં ૫૦ હજારથી વધુ મતદારોએ મતદાન કરતા ૬૭ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું.સૌથી વધુ વગ ધરાવતી સંચાલક મંડળની બેઠક માટે ભારે ખેંચતાણ થઈ હતી.બે વાર રીકાઉન્ટિંગ માંગવામા આવ્યુ હતું. છ ઉમેદવારોમાંથી નારણભાઈ પટેલને અગાઉ ૬ મતથી વિજેતા જાહેર કરાયા હતા. પરંતુ હરિફ ઉમેદવાર પ્રિયવદન કોરાટે રીકાઉન્ટિંગ માંગ્યુ હતુ. ત્યારબાદ રીકાઉન્ટિંગમાં પ્રિયવદન કોરાટ એક મતથી જીત્યા હતા.પરંતુ ફરી નારણ પટેલે પણ રિકાઉન્ટિંગ માંગ્યુ હતું. મોડી રાત સુધી સંચલાક મંડળની બેઠક માટે મતગણતરી ચાલતા આ બેઠકમાં ચારથી પાંચ મતને લઈને કોકડું ગુંચવાયુ હતું. સાત બેઠકોની ચૂંટણીમાંથી પાંચ બેઠકોમાં પાટીદાર ઉમેદવારો વિજેતા થતા બોર્ડની ચૂંટણીમાં પણ પાટીદાર ફેકટર મહત્વનું સાબિત થયુ છે. ગુજરાત સરકાર અને રાજકારણ બાદ હવે ગુજરાત બોર્ડમાં પણ પાટીદારોનો દબદબો જાેવા મળશે.