સાવલી તાલુકાના છેવાડાના ગામ પીલોલ ગામ પાસેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ નદીમાં ઉપરવાસનું પાણી છોડવાના પગલે પાણીનું લેવલ વધી જાય છે અને ગામોમાં પાણી ઘૂસી જાય છે. ગામની શેરીઓમાં પણ પાણી ધસમસતું વહેતું જાય છે અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાત્રિના સમયે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતાં નદી પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને પુલ ઉપર વહેતું પાણી આજુબાજુના ગામોમાં ઘૂસવા માંડ્યું હતું. જોતજોતામાં મોટાપુરા, નાનાપુરા, દરજીપુરા અને કલ્યાણપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને ચારેય ગામો તાલુકાથી અને એકબીજાથી સંપર્કવિહોણા થઇ ગયાં હતાં. સદર બાબતની જાણ સાવલી મામલતદારને થતાં તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે, પાણીના વહેણ વધુ હોવાના કારણે તેઓ પીલોલ સુધી પહોંચી શક્યા ન હતા, જેથી તેઓએ નાનાપુરા ગામના નાગરિકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.