વડોદરા 

વડોદરા શહેરના અનેક માર્ગો ક્યાં તો બિસ્માર હાલતમાં છે.ક્યાં તો કેટલાક માર્ગો જર્જરિત બની જાય ત્યાં સુધી એના તરફ લગીરે ધ્યાન અપાતું નથી.જેને લઈને પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.બારે માસ આવા માર્ગોથી ત્રસ્ત નગરજનો આવા માર્ગો બાબતે તંત્રનું વારંવાર ધ્યાન દોરે છે.તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ અને એમના થકી રજૂઆતો પણ કરાવે છે.તેમ છતાં જાડી ચામડીના શાસકો અને તંત્ર આવી ગંભીર બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવીને પ્રજાને નર્કગાર જેવી સ્થિતિમાં જીવવાને માટે મજબુર કરી દે છે. વર્ષે દહાડે કરોડોના વેરા ભરતી પ્રજાને સુવિધાના નામે ઢગલાબંધ દુવિધાઓ સિવાય કોઈ જ પ્રકારનું વળતર મળતું નથી એવી સર્વ સામાન્ય ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે આ સંજોગોમાં છેલ્લા બે વર્ષથી આજવા રોડ પર આવેલ ચામુંડાનગર પંચમ પાર્ટી પ્લોટથી આજવા રોડ તરફ જતો માર્ગ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે.આ માર્ગને યોગ્ય બનાવવાને માટે અવારનવાર પાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી છે.તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી,જેને લઈને પૂર્વના વર્ષોની માફક આ વર્ષે પણ ચોમાસામાં આ માર્ગ બિસ્માર તો ઠીક ગંદકી અને કાદવ કિચ્ચાડથી ખદબદી રહ્યો છે.જેને લઈને આ માર્ગ પર રહેનારાઓ મચ્છરોના ઉપદ્રવથી પણ હેરાન પરેશાન થઇ ગયા છે.આને લઈને આ માર્ગ પર પાલિકાના સત્તાવાળાઓનું ધ્યાન દોરવાને માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માર્ગની વચ્ચો વચ્ચ આવેલ ડ્રેનેજ લાઈનની ગટરના ઢાંકણા પર બેસીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ જો સત્વરે આ માર્ગની દુરસ્તીનું કામ હાથ ધરાશે નહિ તો આનાથી પણ વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને વિરોધ વ્યક્ત કરાશે એમ સ્થાનિકોનું કહેવું છે.