જંગલેશ્વરમાં વર્ષોથી ટીપીના ૫૦ ફૂટના રોડ પર રહેલા દબાણો હટાવીને માર્ગ ખુલ્લો કરાશે
01, મે 2022

રાજકોટ, રાજકોટના જંગલેશ્વરમાં વર્ષોથી ટીપીના ૫૦ ફુટના રોડ પર રહેલા દબાણો હટાવીને માર્ગ ખુલ્લો કરવાની વિચારણા મનપા દ્વારા કરવામાં આવતી હતી. લાંબાસમય પછી વોર્ડ નં.૧૬ના જંગલેશ્વરમાં સર્વે પૂરો થયા બાદ સ્થાનિકોને નોટીસ આપવાની કાર્યવાહી શરુ થશે. અને જંગલેશ્વરમાં દબાણો દૂર કરવામાં આવશે. આ વિસ્તારમાં ડિમોલીશન થશે તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે.આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, હાલ આજી રીવરફ્રન્ટ પ્રોજેકટને પૂર્ણ કરવામાં માટે કેટલા દબાણ ખડકાયેલા છે એ અંગે શહેરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, સર્વે પૂર્ણ થયા બાદ ડિમોલિશન કરવામાં આવશે. હાલના તબક્કે અંદાજિત ૩૦૦-૪૦૦ જેટલા મકાનો હટાવવામાં આવશે પણ સર્વે બાદ જ ચોક્કસ તારણ આવશે કેટલા સ્થળો પર અને કેટલા મકાન પર ડિમોલિશન કરવામાં આવશે. જયારે મનપા સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરના ૧૫ મીટરના ટીપી રોડ પર વર્ષો જુના ૫૦૦ જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગ રોડ પર ઉતરેલા છે તો અમુક મકાનો પુરેપુરા રોડ પર ખડકાયેલા છે. ભુતકાળમાં દબાણો હટાવવાના સર્વે થયા હતા તે બાદ તાજેતરમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આ રસ્તો દોઢ કિ.મી.ની લંબાઇનો છે. જે સીધો નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર ટચ થાય છે. આ માર્ગ સીધો કોઠારીયા રોડને જાેડાઇ જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution