17, જુલાઈ 2021
દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્વિત છે, કોઈ તેને ટાળી શકે નહીં. આત્મા પરમાત્માના ચરણોમાં લીન ન થાય ત્યાં સુધી જીવન અને મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. આ રીતે આત્મા ઘણાં શરીરને બદલતો રહે છે. જ્યારે આત્મા શરીર છોડે છે, ત્યારે આત્માને તેના શરીર સાથેનો મોહ સરળતાથી સમાપ્ત થતો નથી. આત્માના મોહને ભંગ કરવા અને તેને પછીના નવા જીવનમાં સંપૂર્ણ શરીર આપવાની ઇચ્છા સાથે મૃત્યુ બાદના કેટલાક નિયમો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યા છે.
1. ગરુડ પુરાણ અનુસાર, અંતિમ સંસ્કાર કર્યા બાદ પણ, આત્માની તેના કુટુંબ પ્રત્યેની આસક્તિ સમાપ્ત થતી નથી અને તે કોઈક રીતે તેના પરિવારમાં પાછા ફરવા માંગે છે. તેથી, મૃતદેહના અગ્નિ સંસ્કાર બાદ મૃતકના સબંધીઓ ઘરે પરત આવતા સમયે પાછળ ફરી જોતા નથી. આ આત્માને સંદેશ આપે છે કે, તેના પ્રત્યેનો સબંધીઓનો મોહ સમાપ્ત થયો છે અને હવે આત્માએ પણ આસક્તિ અહીં છોડીને આગળ જવું જોઈએ.
2. મનુષ્યના મૃત્યુ બાદ માત્ર તેના કર્મો જ આત્માની સાથે હોય છે, તેથી મૃત્યુ પહેલાં વ્યક્તિએ તલ, લોખંડ, સોનું, રૂ, મીઠું, સાત પ્રકારનાં અનાજ, જમીન, ગાય, જળપાત્ર અને પાદુકાઓનું દાન કરવું જોઈએ. આ કરવાથી આત્માને યમમાર્ગ પર દુ:ખ આવતું નથી.
3. ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ બ્રહ્મચારી છે, તેણે માતા-પિતા અને ગુરૂજનો સિવાય બીજા કોઈને કાંધ ન આપવી જોઈએ. કારણ કે તેનાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. અગ્નિ સંસ્કાર પહેલા શરીરને ગંગાજળથી સ્નાન કરી ચંદન, ઘી અને તલનું તેલ લગાવવું જોઈએ.
4. અગ્નિ સંસ્કાર સમયે ચિતાની પરિક્રમા કરી તેના દ્વારા મૃત વ્યક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. આ પરિક્રમાં દરમિયાન માટલામાં પાણી ભરીને તેમાં એક છિદ્ર બનાવવામાં આવે છે અને અંતે પાણીના માટલાને ફોડી નાખવામાં આવે છે. મૃત વ્યક્તિની આત્માને તેના શરીર પ્રત્યેના મોહને ભંગ કરવા માટે આમ કરવામાં આવે છે.
5. ઘરે પરત ફર્યા બાદ મરચું અથવા લીમડો ચાવવો જોઈએ. ત્યારબાદ લોખંડ, પાણી, અગ્નિ અને પથ્થરને સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. 11 દિવસ સુધી સાંજે ઘરની બહાર દીપ દાન કરવું જોઈએ.