રાજપીપળા

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભા હતી.એ સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા.એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.

રાજપીપળા પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સાંસદ કેમ ચુપ છે એવા પ્રશ્નો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે રાજપીપળામાં કેટલાક દૂધના ધોયેલાઓ નિકળી પડ્યા છે.૧૦૦ ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી. મારા નામે નનામી પત્રિકાઓ મોકલનારા શાનમાં સમજી જાવ, ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને આવડે છે ચૂંટણી છે એટલે મને મર્યાદા નડે છે.મને બધા જ દાવ આવડે છે હું અભિમન્યુ નથી કે ૬ કોઠા જ જાણું છું, મને ૭ કોઠાનું જ્ઞાન છે અને ૮ મો કોઠો પણ શીખી રહ્યો છું.મને બિલકુલ પણ છંછેડવાનો પ્રયત્ન કરતા નહિ, જાે મને વધારે છંછેડશો તો મારી પાસે પણ તમારી કેસેટો છે ખોલતા બિલકુલ વાર નહિ લાગે.હું એવા નફ્ફટ અને નાલાયકોથી ગભરાતો નથી.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા ભાજપના પોપટ છેઃ છોટુ વસાવા

ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વચ્ચે સોશિયલ મીડિયામાં અવારનવાર યુદ્ધ ચાલ્યા જ કરતું હોય છે.ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને છોટુભાઈ વસાવાએ ભાજપના પોપટ ગણાવ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બન્નેવ નેતાઓ એક બીજાને આવા અનેક વિશેષણથી સંબોધતા હોય છે. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ભાજપે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરસભાનું આયોજન કર્યું હતું.એ સભામાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના વિરોધીઓને આડે હાથે લીધા હતા.પોતાના આક્રમક સંબોધનમાં એમણે બીટીપીના છોટુભાઈ વસાવાને આદિવાસીઓને ઠગનારા તથા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને મચ્છર ગણાવ્યા હતા.મનસુખભાઈ વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા કાચીડાની જેમ રંગ બદલે છે. ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાના આ નિવેદન બાદ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતો જવાબ આપ્યો છે.છોટુભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાની પોપટ સાથે સરખામણી કરી દીધી છે