વડગામ : વડગામ તાલુકાના સીસરાણા થી જલોતરા સુધીનો વર્ષો પહેલાં બનાવેલો સિંગલ પટ્ટી નો રોડ છેલ્લા ઘણા સમયથી રમણભમણ થઈ જવા છતાં રોડનુ સમારકામ ન કરાતાં આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. રોડ ઉપર થી પસાર થતા અનેક વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ વિસ્તાર ના લોકો દ્વારા અવાર-નવાર વહીવટી તંત્ર સામે રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન સત્તાધીશો ના બહેરા કાને લોકોની રજૂઆતો સાંભળવા માં આવતી નથી જેના કારણે આ વિસ્તારના લોકોમાં સત્તાધીશો સામે રોષ પ્રગટ થઇ રહ્યો છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પ્રદેશ કિસાન મોરચા ના મહામંત્રી ફલજીભાઈ ચૌધરી દ્વારા ડે.સી.એમ.નિતીનભાઇ પટેલને લેખિત રજૂઆત કરીને રોડને પેવર બનાવીને રોડ પહોળો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વડગામ તાલુકાના સીસરાણા થી જલોતરા જવાનો રોડ મોટેટા, વણસોલ, ઘોડીયાલ , આમદપુરા, સુખપુરા અને સીસરાણા સહિતના ગામોના લોકોને પાલનપુર જવા આવવા માટે સીધો અને સરળ હોવાથી આ વિસ્તારના લોકો અને વાહનચાલકોની રાત દિવસ ભારે અવર જવર રહે છે તેમજ જલોતરા વણસોલ,પંથકના લોકોને સિસરાણા, મુક્તેશ્વર વાયા નવોવાસ થઇ ને સતલાસણા, મહેસાણા, ગાંધીનગર જવા આવવા માટે નો સરળ રસ્તો હોવાથી આ માર્ગ ઉપર વાહનોની ભારે અવર જવર રહે છે પરંતુ આ રોડ બનાવે વર્ષો વિતવા થી રોડ વચ્ચે ખાડા પડી ગયા છે તેમજ આખો માર્ગ રમણ ભમણ થઈ જતાં આ રોડ ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે.  

સિસરાણા,વણસોલ,જલોતરા સહીતના લોકો દ્વારા વડગામ ના રાજકીય આગેવાનો તેમજ માર્ગ મકાનના અધિકાઓ સુધી રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર કામગીરી ન કરાતાં રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે.લોકોની સમસ્યાઓ ને લઈને વડગામ ના સિસરાણા ના વતની ફલજીભાઈ ચૌધરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને સિસરાણા જલોતરાનો રોડ નવો બનાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.