સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા પૂજન કરી અને શિવરાત્રિ મહોત્સવનો મંગલ પ્રારંભ કરાયો હતો. આજે સોમનાથ તીર્થમાં સમગ્ર દેશભરમાંથી તેમજ અનેક ભાવિકો વિદેશોમાંથી પણ સોમનાથ પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી ભાવિક હાથમાં બીલીપત્ર અને પુષ્પો લઈ લાંબી કટારોમાં ઊભા હતા અને ક્યારેય ભગવાન સોમનાથ મહાદેવના દર્શન થાય તેની રાહમાં હતા. સમગ્ર સોમનાથ તીર્થ આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી રહ્યું છે. ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્‌યું હતું. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો દર્શને મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જાેવા મળી હતી. તો આજે સોમનાથ મંદિરે અનેકવિધ અગ્રણીઓ સાધુ સંતો તેમજ લાખોની માત્રામાં ભાવિક ભક્તો પણ સોમનાથમાં ઉમટશે. આમ સતત ૪૨ કલાક સુધી સોમનાથ તીર્થ હરણના નાદથી ગુંજતું રહેશે.

મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ના દર્શન કર્યા

મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને ૧.૫૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાની ઉજવણી

ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે .માત્ર શિવરાત્રી પર જ નહિ પરંતુ ૩૬૫ દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રી ના મેળો હાલ જામ્યો છે ત્યારે લોકો બહોળી સંખ્યા માં મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે.

જામનગરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે રુદ્ર અભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક પુરાણા પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકાલેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ, નર્મેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ પર જાેવા મળ્યું હતું. પંચેશ્વર ટાવર સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો પણ ઊભા થયા હતા ત્યાં ભક્તો ભાવિકો કે પ્રસાદ લેવા માટે કતારો લાગી હતી. જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે જે પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભા યાત્રા સાંજે યોજાશે.

ભુજમાં શિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વિશાળ શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

ભગવાન ભોળાનાથના પર્વ મહા શિવરાત્રિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભાવિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટર, ટ્રેલર અને જીપ સહિતના ૩૦થી વધુ વાહનો શણગાર સાથે જાેડાયા હતા. જેમાં ભક્તો ધાર્મિક ગિતો પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તો મોટેરા સાથે નાના બાળકો પણ શીવમગ્ન બન્યા હતા. બાળ શંકર બનેલા શિવજી સાથે લોકોએ સેલ્ફી લેવાનો આંનદ માણ્યો હતો. શહેરના પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શૉભાયાત્રા જ્યુબિલિ સર્કલ થઈ ધીંગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે રામ મંદિર સામે હમીસર તળાવ કિનારે આયોજિત જમણવારનો અંદાજિત ૧૫ હજાર લોકોએ લાભ લીધો હતો. બીજી તરફ હાટકેશ્વર મંદિર , ધીંગેશ્વર મંદિર સહિતના શિવમંદિરોમાં શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તોની કતારો જાેવા મળી હતી. આજે શિવરાત્રિના મહા પર્વે સમગ્ર કચ્છના શિવ મંદિરો હર હર ભોલેના નાદથી ગાજી ઉઠ્‌યા હતા.

ઢોલ-નગારાના તાલે મહાદેવની શોભાયાત્રામાં કાઠિયાવાડી પરિધાનમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી

આજે મહાશિવરાત્રિ છે, ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા મહાદેવ મંદિર ઘેલા સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. તેમજ દર્શન માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. ઢોલ-નગારાના તાલે ઘેલા સોમનાથ દાદાની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોએ કાઠિયાવાડી પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહાસતી મીનળદેવી દ્વારા ૧૫મી સદીને સ્થાપિત પવિત્ર ઘેલા નદીના કિનારે આવેલ અને ભારતની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી ઘેલાસોમનાથ મહાદેવની સુપ્રસિદ્ધ શિવલિંગનું અનેરૂ મહત્વ છે. આજે સવારના ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના છથી સવારના ૧૦ કલાક સુધી રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં સામાજિક, રાજકીય અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તેમજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.

ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિ અન્વયે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભાવેણાનું આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રિ નિમિતે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ભક્તોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ મહાદેવ, તખ્તેશ્ર્‌વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર શણગાર તથા રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્‌વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જાેવાઈ રહી છે. શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે.

ભોળાનાથના દર્શન માટે ભક્તો ઊમટ્યાં

દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરનાં શિવાલયોમાં ભાવ, ભક્તિ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયોએ આજે અનેરો શણગાર સર્જ્‌યો હતો તેમજ પરોઢથી ચાર પ્રહરની પૂજા-વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. લઘુરૂદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, રૂદ્રી પાઠ, શિવમહિમ્ન શ્રોત, શિવશૃંગાર, મધ્યાહ્ન તથા સંધ્યાકાળે મહાઆરતી, બપોરના સમયે બટુકભોજન, ફરાળી પ્રસાદ વિતરણ, ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠ્‌યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કોઠી કમ્પાઉન્ડમાં આવેલા કોટેશ્વર મહાદેવ, એરપોર્ટ ફાટક પાસેના મહાકાલેશ્વર મહાદેવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, જંકશન પ્લોટમાં ગીતા વિદ્યાલય, રણછોડદાસ બાપુ આશ્રમ સહિત સર્વત્ર ભક્તોની ભીડ ઊમટી હતી. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. સવારે અભિષેક, પૂજન, મહાઆરતી, ભાંગ વિતરણ તથા પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત કપિલગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે.