રાજ્ય સરકારે વિકાસકાર્યોથી લોકોની સુવિધા બક્ષી છેઃરૂપાણી
12, જાન્યુઆરી 2021

બોડેલી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સગર્વ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ સ્થંભિ ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બોડેલી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો તેમાં સમાવેશ થાય છે. રાજ્યના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ પહોંચાડવાના પોતાના દૃઢ સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમિટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. મા નર્મદા ગુજરાતની પરિક્રમા કરવા નીકળી છે. રાજ્યમાં છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના રૂ. ૫૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે. ભૂતકાળમાં માત્ર ચૂંટણી ટાણે જ વિકાસ કામો યાદ આવતા હતા. આયોજન વિના જ વિરોધીઓ દ્વારા ખાતમુહૂર્તોના નામે નાટકો કરવામાં આવતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution