ગાંધીનગર,

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વદી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સતત બીજા દિવસે 700થી વધુ કેસ સામે આવ્યા છે. આજે અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડતા છેલ્લા 24 કલાકમાં 725 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 486 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોના મહામારીને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36,123 પર પહોંચી ગઈ છે.

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 254 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના 218 અને ગ્રામ્યના 36 કેસનો સમાવેશ થાય છે. તો અમદાવાદ શહેરમાં 162, વડોદરામાં 56, રાજકોટમાં 32, વલસાડમાં 18, ભરૂચમાં 15, ખેડામાં 12, અમદાવાદ ગ્રામ્યમાં 15, રાજકોટ શહેરમાં 10 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં સૌથી વધુ 201 લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરમાં 86 લોકો તો વડોદરામાં 53 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, સુરત જિલ્લામાં 6, જામનગર શહેરમાં 1, અમદાવાદ ગ્રામ્યમાં 1, ગાંધીનગર અને ખેડામાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આમ રાજ્યમાં આ મહામારીને કારણે અત્યાર સુધી 1945 લોકોના મૃત્યુ થયા છે.