સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૫૬૨ રજવાડાઓના ઈતિહાસ ગાથાનું મ્યુઝિયમ બનશે
12, ડિસેમ્બર 2020

રાજપીપળા, રાજ્ય સરકારે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ ૫૬૨ દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજાે, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે. દેશના ૫૬૨ જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.અત્યાધુનિક ૩-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જાેડવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution