અમદાવાદ-

રાજય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરી 2021માં રાજયની 6 મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી તા.21.02.2021ના રોજ યોજવા રાજય ચૂંટણી આયોગ દ્વારા તા.23.01.2021ના રોજ જાહેરાત કરી ચૂંટણીનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ મુજબ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તા.06.02.2021 હતી અને ઉમેદવારી પત્રની ચકાસણી તા.08.02.2021ના રોજ છે. મુંબઈ પ્રોવિન્સીયલ મ્યુનીસીપલ કોર્પોરેશનના (ચૂંટણી કરવા) બાબતના નિયમો 1994 અન્વયે ઉમેદવારીપત્ર સાથે નિયત નમુનાનું સોગંદનામુ રજુ કરવાની જોગવાઈ છે.

ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલ સોગંદનામામાં કોઈ ક્ષતિ કે અધુરાશ રહી જવાના કારણસર ઉમેદવારી પત્ર રદ ન થાય તે માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા બંધારણના અનુચ્છેદ 243 (વક) હેઠળ મળેલ સતાની રૂઈએ સૂચના આપવામાં આવે છે. મહાપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઉમેદવારોને મુક્ત હરિફાઈ માટે તક મળે અને સ્થાનિક સ્વરાજય સુદ્રઢ કરવાના બંધારણના ઉદેશનો યોગ્ય હેતુ સરે તે માટે ઉમેદવારોના સોગંદનામાની અધુરાશના કે ક્ષતિના કારણસર ઉમેદવારીપત્રો અમાન્ય ઠરવાથી ઉમેદવારો ઉમેદવારી કરવાની તક ચૂકી ન જાય તે હેતુથી ઉમેદવાર દ્વારા રજુ કરવામાં આવેલ સોગંદનામામાં કોઈ અધુરાશ કે ક્ષતિ રહી ગયેલ હોય તો તેનું ઉમેદવારીપત્ર આવા કારણોસર રદ ન થાય તે માટે ઉમેદવારો સુધારેલ સોગંદનામું ઉમેદવારીપત્રની ચકાસણી સમયે રજુ કરી શકાશે.આ અંગેની જાણ સંબંધીત ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના ધ્યાન ઉપર લાવવા અને ઉમેદવારોને તથા રાજકીય પક્ષોને સમયસર તેની જાણ કરવા વિનંતી છે.