વડોદરા

ગોધરામાં અપ્રમાણસર મિલકત ધરાવનાર વર્ગ-રના આરોપીએ સાત વકીલ રોકવા છતાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવી શક્યા નથી, એની પાછળ એસીબી દ્વારા કાનૂની નિષ્ણાતોની મદદ મેળવી કેસનું સતત નિરીક્ષણ કરાતું હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે લાંચિયા અમલદારો-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

એસીબીના ઈતિહાસમાં સૌથી મોટી સફળ કામગીરી તરીકે ગણાતી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.માં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર લવાયો હતો જેના કારણે આખા નિગમને તાળાં લગાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. આવક કરતાં અંદાજે પોણા ચાર કરોડની અપ્રમાણસર મિલકત ધરાવતા ગોધરાના જમની સંરક્ષણ અધિકારી વર્ગ-ર રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહાએ તા.૧-૪-૨૦૧૧થી ૩૧-૩-૧૮ સુધીના સમયગાળામાં કાયદેસરની આવક કરતાં ૩,૭૧,૨૩,૨૦૮ની મિલકતો વધારે હોવાનું એસીબીએ શોધી કાઢયું હતું. પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાઓ દુરુપયોગ કરી ધનવાન થવા માટે ગેરકાયદેસર રીતરસતો અપનાવી ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી તે નાણાંનો સ્થાવર, જંગમ મિલકતો વસાવી હતી, જે પોતાની આવક કરતાં ૬૩.૬૮ ટકા વધારે હતી, જેથી તેમની વિરુદ્ધ પંચમહાલ એસીબી પોલીસ મથક ગોધરા ખા તા.૬-૮-૨૦૨૦ના રોજ ગુનો દાખલ થયો હતો. આરીપો રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહાએ ધરપકડથી બચવા માટે ગોધરા સેશન્સ કોર્ટ, બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં જામીનઅરજી મુકેલી હતી જે નામંજૂર થઈ હતી. બાદમાં આરોપીએ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ આગોતરા જામીનઅરજી મુકી હતી જેમાં આરોપી તરફે સાત વકીલોની ફોજ હાજર થઈ હતી, જ્યારે એસીબી તરફે અનિરુદ્ધ પી.માછી હાજર રહ્યા હતા. એમની દલીલોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપીની આગોતરા જામીનઅરજી ફગાવી દીધી હતી.