ભરૂચ, કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ સ્મશાન ખાતે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે, કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહ હવે વેટિંગમાં રહેતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ભરૂચમાં જાેવા મળી રહ્યું છે.ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે તૈયાર કરાયેલા કોવિડ સ્મશાનમાં ગત રાત્રી સુધી ૨૦ જેટલા તો આજે સવારથી બપોર સુધીમાં ૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ આપવામાં આવ્યો છે, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલના આધારે અગ્નિદાહ આપવામાં ૬૦૦થી વધુ મૃતદેહનો સમાવેશ થાય છે.એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ સ્મશાનમાં મૃતકોના વેટિંગ જેવી સ્થિતી ભરૂચીઓ માટે ઘાતક સાબિત થઇ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરે છે,કોરોનાનાં દર્દીઓ માટે ઇન્જેક્શન, વેન્ટિલેટર જેવી બાબતો દર્દીઓનાં સગાવાળાઓ માટે પણ ચુનોતી સમાન બનતી જઈ રહી છે. જ્યાં રોજ લોકો આ વસ્તુઓ લેવા એક સ્થળેથી બીજા સ્થળે અથવા સોશિયલ મીડિયા મારફતે મદદનો હાથ લંબાવી વ્યવસ્થાઓ કરવા મજબૂર બન્યા છે.

નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી ચાર દર્દીઓના મોત

રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં વધુ ૦૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૯ સહિત કુલ-૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં ૧૨૩૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧૦૯ અને ટ્રૂ નેટ ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૪૧૪ નોંધાવા પામી છે. કોરોના દર્દીઓના ખોટા આંકડો જાહેર કરવામાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.આ તમામની વચ્ચે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૪ કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે.અમરસિંહ ઉકડીયા વસાવા, જ્યારે ડભોઈથી ગંભીર હાલતમાં આવેલ નટુભાઈ લલ્લુભાઈ પટેલ, સ્વેતાબેન નવલભાઈ વસાવા, રશ્મિકાબેન પ્રવીણભાઈ વસાવામૃત્યુ થયું છે.એક સાથે ૪ દર્દીઓના મોત થયા હોવા છતાં તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી એ આશ્ચર્યજનક બાબત છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૩૮૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૨૯૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૨૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૨૪ અને વડોદરા ખાતે ૧૧ દરદીઓ સહિત કુલ-૧૧૨ દરદીઓ સારવાર હેઠળ છે.

કોરોના સંક્રમણ અટકાવવા ગામોમાં સુરક્ષાનાં પગલાં લેવા વિશે જણાવાયું

માંડવી. માંડવી વન વિભાગ ના રેસ્ટ હાઉસ ખાતે પ્રાંત અધિકારી જનમ ઠાકોર, મામલતદાર મનીષ પટેલ, પી.એસ.આઇ. દર્શન રાવ, તાલુકા આરોગ્ય અધિકારી રાજુભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી દ્વારા તાલુકાના તમામ સરપંચો સાથે પોતાના ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ચર્ચા-વિમર્શ કરાય.તમામ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ સરપંચોને કોરોના સંક્રમણ ને અટકાવવા માટે જરૂરી નિર્દેશો કરાયા હતા. જેમકે બજાર કે દુકાનો સવારે ૦૮ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખવી. ગામ કે નગરમાં તમામે ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. તેમજ રાત્રિના ૦૮ઃ૦૦ થી સવારે ૦૬ઃ૦૦ કલાક દરમ્યાન નાઈટ કરફ્યુનો ગ્રામજનો પાસે ચુસ્તપણે પાલન કરાવવું. તદુપરાંત સર્વે નગરજનો તથા ગ્રામજનો કોરોના ની રસી મુકાવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા.