વડોદરા,તા. ૩૧ 

લોકડાઉનને કારણે મોટાભાગના લોકો અસરગ્રસ્ત બન્યા છે. જેમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક વ્યવસાયમાં લગભગ ૮૦થી ૯૦% જેટલી શિક્ષિકાઓ હોવાથી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે શહેરની ર્સ્વનિભર શાળા સંચાલકોની શિક્ષિકાઓ દ્વારા ડી.ઈ.ઓને રજૂઆત કરીને શિક્ષણમંત્રીને રાખડીઓ મોકલી હતી. કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનના સમય દરમ્યાન ર્સ્વનિભર શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો ૩૦થી ૫૦% સુધીનો પગાર કાપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાનગી અને સરકારી કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ અપાતું હોવા છતાં ત્યાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર કપાયો ન હતો. લોકડાઉનના સમયમાં પણ ખાનગી શાળાના શિક્ષકો દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. તેમ છતાં પણ શિક્ષકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને કરવામાં આવતી ન્યાય માટેની માંગને સરકાર દ્વારા વાચા ન આપવામાં આવતી હોવાથી આજે શહેરની ર્સ્વનિભર શાળાની શિક્ષિકાઓ દ્વારા ડી.ઈ.ઓ કચેરી ખાતે આવેદનપત્ર આપીને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને રાખડીઓ મૂકલીને ન્યાયની માંગ કરવામાં આવી હતી.