નડિયાદ : નડિયાદ સંતરામ મંદિર ખાતે આજે માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. માઘ પૂર્ણિમાએ 'સાકરવર્ષા'નું ખુબજ મહત્વ રહેલું હોય છે. દર વર્ષે મહાસૂદ પૂનમે અહીંયા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને સમી સાંજે દિવ્ય મહાઆરતીનો લાભ લે છે. અને આ બાદ કરવામાં આવતી 'સાકરવર્ષા'માં પ્રસાદ રૂપે સાકર અને કોપરુ મેળવી ધન્યતા પ્રાપ્ત કરે છે. આ વખતે સંતરામ મંદિર પરિસર સહિત સમગ્ર નડિયાદ જય મહારાજના નાદ સાથે ગૂંજી ઉઠે છે. શનિવારે સમી સાંજે સાકરવર્ષા પહેલા જ ભક્તો મંદિરના ચોગાનમાં ગોઠવાઈ ગયા હતા. અને 'સાકરવર્ષા' સમયે ભક્તોએ એકીસાથે જય મહારાજનો જય ઘોષ કર્યો હતો.

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર ખાતે પ્રાતઃસ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીની નિશ્રામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૦માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાસૂદ પૂનમે અહીંયા દિવસ દરમિયાન લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યાં હતા. જિલ્લા સહિત બહારગામથી આવતા શ્રદ્ધાળુઓએ આજે મહારાજશ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાથે સાથે વર્ષમાં ફક્ત એક જ વાર કરવામાં આવતી સાંજની મહાઆરતીના દર્શન કરી ધન્ય તા પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે અનેક સંતો મહંત હાજર રહ્યાં હતા.

મહાઆરતી બાદ ૬ઃ૩૦ વાગ્યે દિવ્ય સાકરવર્ષા કરાઈ હતી. ૨૦૦ જેટલા સ્વયંમ સેવકો થેલામાં પ્રસાદરૂપી સાકર અને કોપરા લઈ મંદિરના પરિસરમાં ગોઠવાઈ ગયા હતા. અને આ બાદ ઓમના ઉચ્ચારણ પછી સાકર અને કોપરાની ઉછામણી કરાઈ હતી. આશરે ૧૦૦ મણ સાકર અને ૫૦ મણ કોપરાની ઉછામણી કરાઈ છે. ભક્તોએ આ સાકર અને કોપરાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી છે. આ સમયે વાતાવરણ જય મહારાજના જય ઘોષ વચ્ચે ગૂંજી ઊઠ્‌યું હતું.

કોરોના મહામારીને લીધે ત્રિદિવસીય પરંપરાગત લોક મેળો મોકૂફ

આ વર્ષે કોરોનાની મહામારીમાં ત્રિદિવસીય પરંપરાગત લોક મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. સમી સાંજે સાકરવર્ષાના સમયે મંદિરનું ચોગાન ભક્તોના પ્રવાહથી છલકાઈ જતાં જય મહારાજનો જય ઘોષ ચારેય દિશામાં પ્રસરી જવા પામ્યો છે