વેપારીને પાર્સલમાં પિસ્તોલ સાથે મળી ચિઠ્ઠી, લખ્યું હતું - 'તીન કરોડ રૂપિયા દે, નહીં તો ખતમ કર દેંગે...'
23, જુલાઈ 2021

સુરત-

રીંગ રોડ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ માર્કેટના વેપારીને 3 કરોડની ખંડણીની ચિઠ્ઠી સાથે પાર્સલમાં પિસ્તોલ મળતાં ચકચાર મચી જવા પામ્યો છે. વેપારીને 17 વર્ષનો કિશોર પાર્સલ આપી ગયો હતો અને સાંજે ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે સલાબતપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના રીંગરોડ પર આવેલા શિવ શક્તિ માર્કેટમાં વેપારી પાસે 3 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે, એટલું જ નહીં અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પાર્સલમાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં 3 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં કરવામાં આવી છે. પાર્સલ આપનારા અજાણ્યા કિશોરની ઉંમર આશરે 17 વર્ષ છે. જે CCTV કેમેરામાં કેદ પણ થયો છે. પાર્સલ બાદ વેપારીને આરોપીઓનો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. જેથી વેપારીએ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈ જાણકારી આપી હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તકેદારીના ભાગરૂપે વેપારીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ, PCB અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પોલીસે CCTV ફૂટેજની સાથે મોબાઈલ કોલ ડિટેઇલની તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરાયું છે. જોકે ચિઠ્ઠીની વાત કરવામાં આવે તો હિન્દી ભાષામાં આ ચિઠ્ઠી લખાઈ છે. ચિઠ્ઠીમાં ધમકી આપવામાં આવી છે કે 'તીન કરોડ રૂપિયા દે, નહીં તો ખતમ કર દેંગે. પોલીસ કો બતાને કી કોશિશ ભી મત કરના વરના દેખ લેના.' વેપારી અને તેના ભાઈઓના નામે આવેલી આ ચિઠ્ઠીના કારણે તેઓ દહેશતમાં છે. જોકે, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution