દાહોદ,તા.૧૫

દાહોદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે દિન પ્રતિદિન વધુને વધુ જટિલ બનતી જાેવા મળી રહી છે. દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂતકાળમાં ઘણી જગ્યાએ શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાંના એકેય શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા પ્રદાન કરવામાં ન આવતા તે તમામ શોપિંગ સેન્ટરના દુકાનદારો પોતાના વાહનો પોતાની દુકાન આગળ જ પાર્ક કરવા મજબૂર બનતા ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન જટિલ બનતી જાેવા મળી રહી છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકા તેમજ પોલીસ તંત્રના સહિયારા પ્રયાસની તાતી જરૂર છે.પરંતુ આ પ્રયાસમાં પોલીસ તંત્ર તો તૈયાર છે પણ પાલિકા તંત્ર તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. વાત નેતાજી બજારની કરીએ તો ભૂતકાળમાં નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળાઓને કારણે ટ્રાફિક સમસ્યા ઘેરી બનતા તે પથારા વાળાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટેની માગણી બુલંદ બનતા નગરપાલિકા દ્વારા તે પથારા વાળાઓને ચાકલિયા રોડ પર શાકમાર્કેટ બનાવી તેમાં જગ્યા ફાળવી આપવામાં આવી અને નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળા કતાર બંધ જ્યાં બેસતા હતા. ત્યાં લોખંડની રેલિંગ બનાવી વાહન પાર્કિંગ માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

પાર્કિંગ ની જગ્યામાં શરૂઆતના થોડાક દિવસો તો દુકાનદારો પોતાના વાહનો પાર્ક કરતા હતા. અને થોડા દિવસ બાદ દુકાનદારો પોતાની દુકાન ખોલે તે પહેલા જ વાહન પાર્કિંગની જગ્યામાં ફરીવાર શાકભાજીના પથારા વાળાઓ એ અડીંગો જમાવો શરૂ કર્યો હતો. અને જાેત જાેતામાં તો આ પાર્કિંગની જગ્યામાં કતાર બંધ શાકભાજીવાળા બેસતા થઈ જતા પાર્કિંગ ની જગ્યા શાકભાજીના પથારા વાળાઓને જ હાઇજેક કરી હોય તેવું લાગતા અને દુકાનદારોને પોતાના વાહનો પાર્ક કરવા માં તકલીફ પડતા ફરીવાર દુકાનદારો પોતાની દુકાનો આગળ જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બનતા નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા પુના જટિલ બની જવા પામી છે.

હવે તો શાકભાજીના પથારા વાળાઓ કાયમી ધોરણે આ પાર્કિંગ સ્ટેન્ડમાં બેસવા લાગી જતા આ પથારા વાળાઓ પાસેથી રોજબરોજ નગરપાલિકા દ્વારા વહીવટી ખર્ચના નામે નાણા ઉઘરાવતા હોવાનું પણ આ જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે શાકભાજીના કેટલાક પથારા વાળાઓ તો એટલા માથાભારે થઈ ગયા છે કે વાહન ધારકોને પોતાના વાહન પાર્ક કરવા માટે તે લોકો સાથે ઘણીવાર ઉગ્ર ચાલી ઝઘડો કરવા ના છૂટકે મજબૂર થવું પડે છે. નેતાજી બજારમાં વાહન પાર કરવા માટે સારો એવો માતબર ખર્ચ કરી બનાવવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડનો ઉપયોગ માત્રને માત્ર વાહનો પાર કરવા માટે કરવામાં આવે અને પાર્કિંગ સ્ટેન્ડમાં બેસતા શાકભાજીના આ પથારા વાળાઓને અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તો નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા મહદંશે હળવી બનાવી શકાય તેમાં કોઈ બેમત નથી આ રીતે પૈસા લઈને પાર્કિંગ સ્ટેન્ડમાં શાકભાજીના પથારા વાળાઓને સીધી રીતે નહીં તો આડકતરી રીતે બેસવાની મંજૂરી આપનાર નગરપાલિકાને ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં કોઈ રસ નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.