આ રાજયનો આદિવાસી જીલ્લો રોજ 34.56 લાખ લિટર ઓક્સિજન બનાવી સ્વાવલંબી બન્યો
01, મે 2021

નંદુરબાર-

ગુજરાતને ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાતું હોય, પરંતુ વિકાસનો ખરો માપદંડ તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ જ છે. આજે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જનતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે રઝળપાટ કરી રહી છે. આટલા બધા ઉદ્યોગો હોવા છતાં ઓક્સિજન માટે વલખાં મારવાં પડે છે એ બાબતે ગુજરાતનો વિકાસ માત્ર કાગળ પર હોવાનું પુરવાર કરી દીધું છે.

માનવ વિકાસના માપદંડ પર કોઈએ ખરો વિકાસ કર્યો હોય તો તે આપણા પાડોશી મહારાષ્ટ્રના નાનકડા આદિવાસી જિલ્લા નંદુરબારે કર્યો છે. નંદુરબાર આજે આખા ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે, જે ઓક્સિજન સપ્લાઇની દૃષ્ટિએ સંપૂર્ણ સ્વાવલંબી છે. અહીં પ્રતિ મિનિટ ૨૪૦૦ લિટર એટલે દિવસના ૩૪.૫૬ લાખ લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરતા બે પ્લાન્ટ કાર્યરત છે. આ સપ્તાહે પ્રતિ મિનિટ ૬૦૦ લિટર ઓક્સિજનની ક્ષમતાવાળો ત્રીજાે પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આ બધું શક્ય બન્યું છે મહારાષ્ટ્રના માત્ર ૩૩ વર્ષના જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભારુડની દીર્ઘદૃષ્ટિને કારણે.

ડૉ. રાજેન્દ્ર ભારુડે કેવી રીતે નંદુરબાર જેવા પછાત અને આદિવાસી જિલ્લામાં આ ચમત્કાર કરી દેખાડ્યો છે એ જાણતાં પહેલાં જિલ્લાની વર્તમાન સ્થિતિ તરફ નજર કરીએ. નંદુરબાર એ મહારાષ્ટ્રનો માંડ ૧૬ લાખની (અમદાવાદના પાંચમા ભાગની) વસતિ ધરાવતો જિલ્લો છે, જેની સરહદ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાને અડીને છે. આજે આ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ૧૫૦ બેડ ખાલી છે અને પરિસ્થિતિ એ છે કે આજુબાજુના જિલ્લાઓ જ નહીં, રાજ્યોમાંથી (મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત) પણ દર્દીઓ અહીં સારવાલ લેવા આવે છે. નંદુરબારનો પોઝિટિવિટી રેટ ૩૦% ઘટ્યો છે અને ડેઈલી એક્ટિવ કેસનો આંક ૧૨૦૦થી ઘટીને ૩૦૦ પર પહોંચ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution